બનાસકાંઠામાં લૂંટેરી દુલ્હન ગેંગનો તરખાટ: ચડોતર ગામમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો આવ્યો સામે
લગ્નના બાદ રૂ.2.57 લાખની મત્તા લઈ લૂંટરી દુલ્હન ગેંગ ફરાર: સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભોળા અને અશિક્ષિત લોકોને ભોળવીને ઠગાઇના વધતા જતા બનાવો વચ્ચે લૂંટરી દુલ્હન ગેંગ સમયાંતરે તરખાટ મચાવી રહી હોવાની રાવ ઉઠી છે. ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં લગ્ન વાંચ્છુક યુવક સાથે મંદિરમાં ફેરા ફરી લગ્ન બાદ મોબાઈલ અને રૂ.2.57 લાખની મત્તા લઈ લૂંટરી દુલહન ગેંગ ફરાર થઇ ગઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ચડોતર ખાતે રહેતી 40 વર્ષીય વિધવા મહિલા મંજુલાબેન ભવાનજી જેસાતરે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપેલી લેખિત ફરિયાદ મુજબ, તેઓના દીકરા હિતેનકુમારના લગ્ન રાજીબેન વનરાજસિંહ ચંડીસરા રહે.સામઢી(નાઢાણીવાસ) સાથે
રસાણા શિવધામ મંદિર ખાતે 20 જુલાઈના રોજ કરાયા હતા. જોકે, લગ્ન સાટા વગર કરાવવાના હોઈ લગ્ન કરાવવા માટે રૂ.2.50 લાખની રકમ વચેટિયાઓએ લીધી હતી. જોકે, લગ્ન બાદ દુલ્હન રાજીબેન ઘરમાંથી રૂ.7,000 ની રોકડ રકમ અને સેમસંગનો મોબાઈલ લઈ ફરાર થઇ ગઇ હતી. ત્યારે વિધવા મહિલા મંજુલા બેન જેસાતરે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આરોપીઓ(1) સિદ્ધરાજસિંહ ઉર્ફે સેધુભા રતનસિંહ દરબાર (2) વનરાજ સિંહ ભીખુસિંહ દરબાર (3)રાજી બેન વનરાજસિંહ ચંડીસરા રહે. સામઢી(નાઢાણીવાસ)તા.પાલનપુર (4)પરબતજી રેવાજી દેલવાડિયા રહે.રસાણા (નાના વાસ)તા.ડીસા અને (5)ભવાનજી મેલાજી ચંડીસરા રહે.ઢુવા તા.ડીસા સામે ગુનો નોંધી અટકાયત કરી ફરિયાદીને પોલીસ રક્ષણ આપવા લેખિત માંગ કરી છે.
વેવાઈએ પણ વેવાણ ના સમર્થનમાં કર્યું સોંગદનામું: બનાસકાંઠા જિલ્લામાં લગ્ન વાંચ્છુક યુવાનો સાથે ઠગાઈ કરતી લૂંટેરી દુલ્હનના કિસ્સા વધતા જાય છે. ત્યારે ચડોતર ગામમાં લૂંટેરી દુલ્હનના કેસમાં નવો વળાક આવ્યો છે. જેમાં લૂંટરી દુલહનના પિતા વનરાજજી ચંડીસરાએ સોગંદનામું કર્યું છે. જેમાં તેઓની દીકરી રાજીબેનને ઘરમાં ચોરી કરવામાં અને ભગાડવામાં મદદરૂપ બનનાર આરોપીઓ અને પોતાની દીકરીની વિરુદ્ધમાં તેઓની વેવાણે આપેલી ફરિયાદ મુજબ ગુનો નોંધવામાં આવે તો પોતે વેવાણ અને જમાઈની તરફે રહેશે તેવું સોંગદનામુ કરી આપતા ચકચાર મચી જવા પામી છે.