બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારો નિર્ણાયક

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તા.07/05/2024ના રોજ યોજાનાર છે. 2 – બનાસકાંઠા સંસદિય મતદાર વિભાગમાં 7 – વાવ, 8 – થરાદ, 9 – ધાનેરા, 10 – દાંતા, 11 – વડગામ, 12 – પાલનપુર, 13 – ડીસા અને 14 – દિયોદર એમ કુલ નવ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાંથી 11- વડગામ અને 15- કાંકરેજ વિધાનસભા મત વિસ્તાર 3- પાટણ લોકસભામાં સમાવિષ્ટ છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા 05 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ 25,51,601 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 13,17,835 પુરુષ મતદારો અને 12,33,746 સ્ત્રી મતદારો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ 12,33,746 મતદાર મહિલાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીમાં ઉભેલ ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવશે.તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ વાવ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 1,47,858 મહિલા મતદારો છે જ્યારે સૌથી ઓછી મહિલા મતદારો થરાદ વિધાનસભા ક્ષેત્રમાં 1,23,287 નોંધાયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 14 તાલુકા આવેલા છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આજે પણ બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.


આ જિલ્લાની મહિલાઓએ પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર રાજ્ય અને દેશમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે લોકશાહીના પર્વમાં પુરુષોના 51.64 ટકા વોટ શેરની સરખામણીમાં 48.35 ટકા વોટ શેર ધરાવતી મહિલાઓનું મતદાન નિર્ણાયક અને મહત્વનું પુરવાર થશે.ચૂંટણી સભાઓ અને ચૂંટણી પ્રચારમાં ઉત્સાહપૂર્વક જોડાતા પુરુષ મતદારો મતદાન વેળાએ નીરસ જોવા મળતા હોય છે. જ્યારે મહિલાઓ મતદાનના દિવસે ઘરકામ અને ખેતીકામમાંથી સમય કાઢીને પણ મતદાનની ફરજ બજવતા હોય છે અને ભારે પ્રમાણમાં મતદાન કરી પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ હોવાનું સાબિત કરે છે જે ઘણીવાર ચૂંટણી પરિણામમાં નિર્ણાયક સાબિત થતું હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.