ચૂંટણીલક્ષી કામગીરી અન્વયે બનાસકાંઠા જિલ્લા પોલીસે ₹.99,42,000 કિંમતનું 2.29 કિલો સોનું જપ્ત કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા દરમીયાન શાંતિનો ભંગ થાય નહિ એ માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પોલીસમહાનિરીક્ષકશ્રીજે.આર.મોથલીયા, સરહદી રેંજ કચ્છ-ભૂજ તથા પોલીસ અધીક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણ માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.જેના પગલે પોલીસે જિલ્લામાંથી 2.29 કિલો સોનું કિંમત ₹.99,42,000 તેમજ 46,369 વિદેશી દારૂની બોટલો મળી કુલ ₹ 1,43,34,100 કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે.

બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર અને હાઇવે માર્ગો પર વાહનોનું સઘન ચેકીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં શાંતિ, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તમામ પ્રકારની સુરક્ષાની ચોકસાઈ માટે જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ છાવણી લગાવી દેવામાં આવી છે. તેમજ તમામ ગાડીઓની વાહનની એન્ટ્રી અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ચીજ વસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં એન્ટર ન થાય તેના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

તા. 3 નવેમ્બર થી 17 નવેમ્બર દરમિયાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રોહીબિશન, વાહન ડિટેઇન, જાહેરનામા ભંગ, સહિતના ગુનાઓ અંગેની કામગીરી કરવામાં આવી છે. જે મુજબ ચેકપોસ્ટ પરની કામગીરી અંતર્ગત 203 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા 109 ઇસમો પકડાયા છે જ્યારે ચેકપોસ્ટ પર દારૂના 15 કેસ કરીને ₹. 1,03,79,683 નો મુદ્દામાલ કબજે કરાયો છે. તો ચેકપોસ્ટ પરથી એક નાસતા ફરતા આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે. તા.3 થી 17 નવેમ્બર દરમિયાન વિદેશી દારૂની બોટલ કુલ 46,369 નંગ બોટલો સાથે કિંમત ₹. 1,43,34,100 નો મુદામાલ કબ્જે કરાયો છે. તો કુલ 4 હથિયારો જપ્ત કરાયા છે તેમજ ગુજરાત રાજ્ય અને જિલ્લાના 25 અને બહારના રાજ્યના 9 મળી કુલ 34 નાસતા ફરતા આરોપીઓની અટક કરવામાં આવી છે.

ચૂંટણી લક્ષી કામગીરી અન્વયે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે 17 નવેમ્બરના રોજ ₹. 99,42,000ની કિંમતનું 2.29 કિલો સોનું જપ્ત કરાયુ છે તેમજ જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ સલામતી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે ચૂંટણી આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણાની અખબારી યાદીમાં જણાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.