પાલનપુર ખાતે બનાસકાંઠા જિ. પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાં
જૂની પેન્શન યોજના ચાલુ કરવા સહિતની માગણીઓને લઈને આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાભરમાંથી શિક્ષકો જાેડાયા હતા. પોતાની પડતર માંગણીઓ સહિત જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા આજે રાજ્યમાં શિક્ષકો ધરણાં કરી રહ્યા છે. જે અંતર્ગત પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરી બહાર મોટી સંખ્યામાં જીલ્લાના શિક્ષકો એકઠા થયા હતા. જ્યાં જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેની આગેવાનીમાં ધરણાં યોજી જૂની પેન્શન યોજના ચાલુ કરવા શિક્ષકો માંગ કરી રહ્યા છે. શિક્ષકોની માંગ છે કે, આજે રાજ્યમાં શાંતિ પૂર્વક શિક્ષકો પોતાના પ્રશ્નોના સમાધાન માટે ધરણાં કરી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં સરકાર આ માંગણીઓને ધ્યાને નહીં લે તો આગામી સમયમાં શિક્ષકો ઉગ્રતાપૂર્વક પોતાના હક માટે સરકાર સામે આંદોલન કરશે તેવું બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેએ જણાવ્યું હતું. રાજ્યભરના શિક્ષકો સાથે બનાસકાંઠા ના શિક્ષકોએ પણ પોતાની માંગણીઓને લઈને અવાજ ઉઠાવ્યો છે. ત્યારે સરકાર શુ રૂખ અપનાવે છે તે જાેવું રહ્યું.