બનાસ ડેરી પશુપાલકો પાસેથી બારદાન ખરીદશે
રખેવાળ, બનાસ ડેરી
કોરોના મહામારીને પરિણામે સતત લોકડાઉનની સ્થિતિને કારણે બનાસદાણ ભરવા માટેના બારદાન નહીં મળવાથી પશુપાલકોને પશુઆહાર પૂરું પાડવામાં અગવડ ઊભી થતાં બનાસડેરીએ મહત્વનો નિર્ણય લઈને પશુપાલકો પાસેથી જુના બારદાન પરત ખરીદવાનું નક્કી કર્યું છે.
બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બનાસ ડેરી પશુપાલકો પાસેથી ૬૫ રૂપિયાના ભાવે બારદાન પરત ખરીદશે જેમાં પશુપાલકને બજાર કિંમત કરતા રૂપિયા ૧૫ વધારાના મળશે સાથે સાથે બારદાનના અભાવે ડેરીને પશુ દાણ આપવામાં પડતી મુશ્કેલી પણ દૂર થશે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયગાળામાં પણ અન્ય રાજ્યોની સરકારો સાથે સતત સંપર્ક અને સંકલન સાધીને પશુ દાણ બનાવવા માટેનો કાચો માલ સમયસર મળી રહે અને જિલ્લાના પશુપાલકોને સમયસર પૂરતા પ્રમાણમાં બનાસ દાણ મળી રહે તે માટે બનાસડેરી સતત પ્રયત્નશીલ છે.