મંદી અને કોરોના મહામારીના વર્ષમાં પણ બનાસ ડેરી ૧૬.૬૬% લેખે ૧૧૪૪ કરોડનો ભાવફેર ચૂકવશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
જીલ્લાની દૂધ ઉત્પાદકોની આર્થિક કરોડરજ્જુ સમાન બનાસડેરીની ૫૨ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસ ઓઈલ સંકુલ, બાદરપુરા ખાતે મળી હતી. જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેવો ભાવ વધારો ચેરમેનએ જાહેર કરતાં સમગ્ર જિલ્લાના દૂધ ઉત્પાદકો ખુશીથી ઝૂમી ઉઠ્‌યા હતા. ચેરમન શંકરભાઈ ચૌધરીએ બાદરપુરા ખાતેથી ઓનલાઈન (વર્ચ્યુઅલ) સભાને સંબોધતા ૧૧૪૪ રૂ.કરોડનો ભાવ વધારો (નફો) જાહેર કરતાં સમગ્ર જીલ્લાની દૂધ મંડળીઓ પર સાધારણ સભામાં ભાગ લઇ રહેલા દૂધ ઉત્પાદકો સાથે સોસીયલ મીડિયા પર પણ જોઈ રહેલા દૂધ ઉત્પાદકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
ચેરમેનએ પશુપાલકોની અપેક્ષા મુજબ જ ૧૬.૬૬%નો ભાવ વધારો જાહેર કરતાં સમગ્ર જીલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ચેરમેનએ પ્રેઝન્ટેશન દ્વારા બનાસડેરીનો વિકાસનો આલેખ રજુ કરતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં બનાસડેરીમાં દૂધ સંપાદન ૨૯.૯૬ લાખ લીટર હતું તે આજે ૫૯.૭૬ લાખ લીટરે પહોંચ્યું છે. દૂધ પરિવહનનો ખર્ચ પ્રતિ લિટરે ૩૬ પૈસા હતો તે ડીઝલ નો ભાવ વધવા છતાં ઘટીને ૩૩ પૈસા થયો છે. જે કરકસરયુક્ત વહીવટને કારણે શક્ય બન્યું છે પાંચ વર્ષ પહેલા પશુપાલકોને મહિને ૨૮૭ કરોડ ચૂકવાતા હતા તે આજે ૭૨૮ કરોડ ચૂકવાય છે. બનાસડેરીની મુડી ૨૫૧ કરોડથી વધીને ૬૪૯ કરોડ થયેલ છે, ડેરી ની મિલકતો ૮૭૯ કરોડથી વધીને ૨૭૮૨ કરોડ થઇ છે, ડેરીનું ટર્નઓવર ૫૪૪૧ કરોડથી વધીને ૧૨૧૭૦ કરોડ રૂપિયા થયું છે. પાંચ વર્ષ પહેલાં કાતરવા કેટલફીડ ઉત્પાદનની ક્ષમતા ૧૦૦૦ મેટ્રિક ટનની હતી તે આજે વધીને ૧૮૦૦ મેટ્રિક ટને પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સોલાર સિસ્ટમ અપનાવતા બનાસ ડેરીએ રૂપિયા ૫.૫૦ કરોડની વીજળી ઉત્પન્ન કરી છે, જર્મન ટેકનોલોજી લાવી ગોબરગેસ પ્લાન્ટ ની સફળતા પૂર્વક શરૂઆત કરી છે જેનાથી ખેડૂતોની આવકમાં ૧૫ ટકાનો વધારો થયો છે. બનાસ નવરસ અને અમૂલ જન્મય બ્રાન્ડથી વિવિધ ખાદ્યતેલોનું સફળતા પૂર્વક લોન્ચિંગ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે ટેક હોમ રાશન પ્લાન્ટ ની શરૂઆત કરવામાં આવી છે જેની યુનિસેફ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
બનાસડેરી દ્વારા બટાટા પ્લાન્ટનો અદ્યતન પ્રોજેક્ટ હાથ ધરાયો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસ ડેરીને મધ ઉત્પાદન દ્વારા સ્વીટ ક્રાંતિ કરવા જણાવાયું હતું તેમાં આપણે સફળતાપૂર્વક શરૂઆત કરીને ઝડપી પ્રગતિ કરી રહ્યા છીએ. જિલ્લાના પશુ દીઠ દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બનાસડેરી દ્વારા ૨૫૦ વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા પશુ સારવાર ૨૪ કલાક આપવામાં આવે છે. ગત વર્ષે કુલ સાડા પાંચ લાખ પશુ સારવારની વિઝીટ થઈ હતી.તેમણે જિલ્લાના ખેડૂતોને મોટાપાયે વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું અને કોરોના મહામારી થી સરકાર દ્વારા સૂચવવામાં આવેલ પગલાઓનું પાલન કરવા પણ ખેડૂતો અને પશુપાલકોને હૃદયપૂર્વક અપીલ કરી હતી. બનાસ ડેરીના ઈ.ચા. મેનેજીંગડીરેક્ટર કામરાજભાઇ ચૌધરીએ એજન્ડા ઉપરની કાર્યવાહી રજુ કરતાં તેને સર્વાનુમતે મંજુર રાખવામાં આવી હતી. જિલ્લાના સાંસદ અને બનાસ ડેરીના ડિરેક્ટર પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના ને કારણે સમગ્ર વિશ્વમાં મંદી છે પણ આપણને મંદી નડી નથી તો તેનું કારણ માત્ર બનાસડેરી છે જીલ્લામાં બનાસ ડેરી ન હોત તો ખેડૂતોને આ કપરા સમયમાં જીવનનિર્વાહ કરવો ખુબ જ કપરો થઇ જાત. ડેરીમાં દૂધનું ઉત્પાદન વધ્યું છે ડેરીમાં રેકોર્ડબ્રેક ૭૩ લાખ લીટર દૂધ નું સંપાદન થયું છે તેનો અવેર કરવાનો યશ નિયામક મંડળ અને કર્મચારીઓને આપું છું. તેમણે પશુપાલકોને રેકોર્ડ ભાવ વધારો આપવા બદલ ચેરમેન શંકરભાઈને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ડેરી દૂધ સિવાય અનેક પ્રોજેક્ટ હાથ ધરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરીને આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપી રહી છે તે સરાહનીય છે.સાધારણ સભા અગાઉ બનાસ ડેરીના ડીરેક્ટરઓએ અલગ અલગ વિભાગોની કામગીરીના અહેવાલ રજુ કર્યા હતા. વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જિલ્લાભરની દૂધ મંડળીઓ ઉપર દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિએ ઉપસ્થિત રહી સાધારણ સભાની કાર્યવાહીમાં ઓનલાઈન રહી ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.