ડીસા સહિત જિલ્લામાં ખાનગી હોસ્પિટલોની મનમાનીથી જન આરોગ્ય સાથે ચેડા
ખાનગી હોસ્પિટલોમાં ડીગ્રી વગરના ડોક્ટર અને સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર
તબીબી વ્યવસાયમાં ‘ટોપ ટુ બોટમ’ પ્રવર્તતી ટકાવારીના કારણે દર્દીઓનો મરો: ડીસા સહિત જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ર્ડાક્ટરોની અનિયમિતતાના કારણે અથવા સારી સારવાર માટે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબુર બને છે. બીજી બાજુ, ખાનગી હોસ્પિટલોમાં નિયત લાયકાતના બદલે આયુર્વેદિક, હોમીયોપેથીક અથવા ઉધાડપગા ડોક્ટરો અને સ્ટાફ સારવાર કરી દર્દીઓ પાસેથી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો ચાર્જ વસુલ કરતા હોવાના ચોંકાવનારા અહેવાલો સાંપડે છે.
આજના હાઈબ્રીડ યુગમાં ખાણી-પીણી સહિતના અનેક કારણોને લઈ વિવિધ બિમારીઓએ જોર પકડ્યું છે. જેમાં શહેર અને ગ્રામીણ કક્ષાએ સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર મળી રહે છે. પરંતુ સરકારના અન્ય વિભાગોની જેમ સરકારી હોસ્પિટલોમાં પણ લાલીયાવાડી પ્રવર્તે છે. જેથી સઘન સારવાર અને ડોક્ટરોની અનિયમિતાના કારણે લોકો ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બને છે. જિલ્લાના મોટાભાગના શહેરો જેમાં ડીસા, પાલનપુર, થરાદ, ધાનેરા, ભાભર, દિયોદર સહિત કેટલીક ખાનગી હોસ્પિટલોમાં લાયકાત વગરના ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓની સારવાર કરતા હોવાનું આધારભૂત વર્તુળોએ જણાવ્યું હતું. એટલું જ નહી, ખાનગી હોસ્પિટલોમાં લાયકાત વગરના ડોક્ટરો અને સ્ટાફ સારવાર કરી દર્દીઓ પાસેથી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોનો ચાર્જ વસૂલ કરતા હોવાનું દર્દીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતુ કે હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોના નામના બોર્ડ લાગેલા હોય છે.
પણ ડીગ્રી વગરના ડોક્ટર અને સ્ટાફના કારણે ઘણી વખત સારવારમાં કેસ બગડે તો વધુ સારવારના રૂપાળા બહાના હેઠળ નક્કી કરેલ હોસ્પિટલમાં ભલામણ કરી દર્દીને મોકલવામાં આવે છે. જ્યાં દર્દીના પરિવારને ચોમેરથી ખંખેરી લેવામાં આવે છે. જેમાં ડીગ્રીધારી અને ડીગ્રી વગરના ર્ડાક્ટરો વચ્ચેની સાંઠગાંઠમાં છેવટે દર્દીનું આવી જ બને છે.
છેલ્લા ઘણાં સમયથી આ વિષચક્ર ધમધમી રહ્યું છે. છતાં જિલ્લા આરોગ્ય વિભાગ સબ સલામતના દાવા કરે છે. પણ અમારા વિશેષ પ્રતિનિધિની તટસ્થ તપાસમાં દર્દી માટે ભગવાનનું બીજું સ્વરૂપ ગણાતા કેટલાક ડોક્ટરોની કમાણીની લહાયનો પર્દાફાશ થયો છે.
સ્ટાફ પણ ડીગ્રી વગરનો: સરકારે દરેક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોના સહયોગી સ્ટાફ માટે પણ જી.એન.એમ. અને એ.એન.એમ.ની લાયકાત ધરાવતા હોય તેવા સ્ટાફની નિમણૂક કરવાની હોય છે. પરંતુ લગભગ હોસ્પિટલોમાં ડીગ્રી વગરના ડોક્ટરો સાથે સ્ટાફ પણ યોગ્ય લાયકાત વગરનો હોય છે. જેમાં કેટલાક સ્ટાફનું નામ ચોપડે ચાલતું હોય પણ તે અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે અમારા વિશેષ પ્રતિનિધિ તપાસ ચાલાવી રહ્યા છે.
ખાનગી વાહન ચાલકોને પ્રલોભન: રાજસ્થાન અને જિલ્લાના અંતરીયાળ ગામોમાંથી ખાનગી વાહનોમાં દર્દીઓને લઈને આવતા ડ્રાઈવરો અને એવા કેટલાય સેન્ટરોમાં કહેવાતા એજન્ટોને પ્રલોભનો આપવામાં આવે છે. તેથી તે દર્દીઓને નિયત કરેલ હોસ્પિટલમાં જ સારવાર અર્થે લઈ જાય છે. જ્યાં આ ગરીબ દર્દીઓની મોંઘી સારવાર થાય છે. અને વચેટીયાઓને ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે. તેવી એક દર્દીએ આવી રીતે લૂંટાતા હોવાની રજૂઆત કરી હતી.
સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ફી વસૂલાય છે: આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટર રજા પર હોય કે પ્રવાસે જાય તો હોસ્પિટલમાં તેઓ હાજર છે કે કેમ ? તેની કોઈ જ જાણ કરવામાં આવતી નથી અને તેમના બદલે બી.એ.એમ.એસ. કે બી.એચ.એમ.એસ. ર્ડાક્ટરો સારવાર કરી સ્પેશ્યાલિસ્ટ ર્ડાક્ટરની ફી અને ચાર્જ વસૂલે છે.
આરોગ્ય વિભાગનું તપાસનું નાટક: સમયાંતરે અખબારી અહેવાલો અને જાગૃત પ્રજાજનોની ફરિયાદોના કારણે આરોગ્ય તંત્ર દ્વારા તપાસનું નાટક ભજવાય છે. અને ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટના આવા કિસ્સા પ્રકાશમાં આવે ત્યારે તાલુકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર તપાસના નાટકો કરી પાછળથી ભીનું સંકેલી નાખે છે. જેના કારણે માત્ર પૈસા પાછળ દોટ મુકતા ડોક્ટરોને મોકળુ મેદાન મળી ગયુ છે. અને ગાંધી વૈદ્યના સહિયારા ગઠબંધનમાં આરોગ્ય વિભાગની પણ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપની નીતિમાં સરવાળે દર્દીઓનો મરો થઈ રહ્યો છે અને પવિત્ર ગણાતો તબીબી વ્યવસાય પણ લજવાઈ રહ્યો છે.
Tags Arbitrarily Disa health Public