ડીસામાં ભાજપના સભ્યોની ગેરહાજરીમાં વિકાસ કામોને બહાલી
બોર્ડ અટકાવી નગરનો વિકાસ રૂંધવાની ભાજપના સભ્યોની મેલી મુરાદ પાર ન પડી
પાલિકાના રાજીનામાં આપેલ સભ્યોના રાજીનામાં મંજુર કરવાની વિપક્ષની માંગ
ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના 12 અને ત્રણ અપક્ષ સભ્યોની ગેરહાજરી વચ્ચે પાલિકાની બોર્ડ બેઠક (સાધારણ સભા) યોજાઇ હતી. જેથી બોર્ડમાં ગેરહાજર રહી બોર્ડ ન મળે અને નગરનો વિકાસ રૂંધાય તેવી ઈચ્છા રાખતા ભાજપના ગેરહાજર સભ્યોની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું હતું.
ડીસા નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ આજે ફરીથી સપાટી પર આવ્યો હતો. જેમાં નગર પાલિકાની ખાસ સાધારણ સભા જે ગયા વખતે મુલત્વી રહી હતી. તે આજે ફરીથી મળતા પાલિકાના 44 સભ્યોમાંથી 15 સભ્યોની ગેરહાજરી વચ્ચે સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ ડીસા નગરવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી શહેરીજનોને રોડ, રસ્તા પાણી, સ્વચ્છતા અંગેના કામોના કાર્યો રજૂ કરતા હાજર તમામ સભ્યોએ તમામ કામોને બહાલી આપી હતી.
બનાસકાંઠા જિલ્લાની વિવાદાસ્પદ ડીસા નગર પાલિકામાં ભાજપના 27 સભ્યો બે જૂથમાં વહેંચાયેલા હોઇ એક નારાજ જૂથના સભ્યો શરૂઆતથી જ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવાની માંગ કરી ચેરમેન પદેથી પણ રાજીનામા આપી ચૂક્યા હોવાથી વિપક્ષે પણ રાજીનામાં આપેલ સભ્યોના રાજીનામાં સ્વીકારી તેઓની નેઈમ પ્લેટ હટાવી તેઓ સભ્ય તરીકે કાર્ય ન કરી શકે તેવી માંગ કરી હતી.જેને લઈ શહેરમાં શિયાળાના આરંભે ગરમાવો છવાયો છે.
રાજીનામાં સ્વીકારવા કે નહીં તે સંગઠનનો વિષય છે : પ્રમુખ ડીસા પાલિકાના ભાજપના નારાજ સભ્યોએ રાજીનામાં ભાજપ સંગઠનને આપેલા છે તેથી તેઓના રાજીનામાં સ્વીકાર કરવા કે નહીં ? તે સંગઠનનો વિષય છે એમ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું.
બોર્ડમાં ગેરહાજર રહેનાર ભાજપના સભ્યો
શૈલેષભાઈ રાયગોર,
મોસમ સાંખલા,
ભારતીબેન પટેલ,
નીતાબેન ઠક્કર,
નીલાબેન પ્રજાપતિ,
ચેતન ત્રિવેદી,
રાજુભાઈ ઠક્કર,
વાસુભાઈ મોઢ,
રવિ ઠક્કર,
રાજુભાઈ ઠાકોર,
ઉષાબેન મેવાડા,
અમિત રાજગોર
ગેરહાજર ભાજપ સમર્થિત અપક્ષ સભ્યો….
ગીતાબેન પઢીયાર,
મંજુલાબેન રાવળ,
રમેશભાઇ માજીરાણા,
આચાર સંહિતાના બહાને બોર્ડ રદ કરાવવાનું ષડયંત્ર: નગરપાલિકાઓમાં શહેરના વિકાસના પ્રશ્નોની ચર્ચા અને વિકાસના કામોને મંજૂરી આપવા માટે થઈને દર ત્રણ માસે નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મળતી હોય છે. આ સામાન્ય સભા રદ કરાવવી એટલે શહેરના વિકાસમાં રોડા નાખવા. ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપના નારાજ સભ્યોએ આ સામાન્ય સભા રદ કરાવવા ખૂબ ધમપછાડા કર્યા હતા. પરંતુ કાંઈ મેળ ન પડતા આખરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આચારસંહિતાનું પણ બહાનું કાઢી ચીફ ઓફિસર તેમજ કલેકટરને પત્રો લખી સામાન્ય સભા રદ કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ કલેકટરે સામાન્ય સભાને મંજૂરી આપી દેતા આખરે તેઓ ગેરહાજર રહયા હતા.
Tags Approval Development Disa works