ડીસામાંથી વધુ એક શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપાયું : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સેમ્પલ લઈ જથ્થો સિઝ કર્યો
ડીસામાંથી વધુ એક શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપાયું
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સેમ્પલ લઈ શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો
રાજ્યભરમાં ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન ડીસામાંથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વધુ એક શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપી લીધું હતું અને મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.
દિવાળીના તહેવારોની સિઝનમાં મોટા પ્રમાણમાં વેચાતી મીઠાઈઓમાં ભરપૂર માત્રામાં ભેળસેળ થતી હોવાનું તેમજ અખાદ્ય ઘી અને તેલમાંથી ચીજ વસ્તુઓ, મીઠાઈઓ બનતી હોવાની વ્યાપક ફરિયાદો છેલ્લા કેટલાય વર્ષોથી ઉઠી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વખતે દિવાળીના તહેવાર અગાઉ જ સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ડ્રાઈવ રાખવામાં આવી છે. જે અંતર્ગત ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અગાઉ ઘીનું ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો માવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાદ્યતેલ, ઘી, મરચા, હળદર આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી, અનેક જગ્યાએથી સેમ્પલો લઈ શંકાસ્પદ જણાતો જથ્થો જપ્ત કરેલો છે.
ત્યારે ફૂડ વિભાગની ટીમેં બુધવારે વધુ એક શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ડીસાના રિસાલા ચોકથી રાજપુર તરફ જવાના રસ્તે એક રહેણાંક મકાનમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પડ્યો હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી હતી.
જેમાં સિયા માર્કેટિંગ નામની પેઢી દ્વારા સંયમ બ્રાન્ડના ઘી અને સિયા વેજફેટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘીના સેમ્પલ લઈ ફુડ વિભાગની ટીમે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ઉપરાંત હાલ રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ શંકાસ્પદ ઘીનો જથ્થો સીજ કર્યો હતો. .આ અંગે ફૂડ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી ડ્રાઇવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 700 થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે અનેક જગ્યાએ રેડો કરી, ખાધ તેમજ શંકાસ્પદ જણાતો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે હજુ પણ કામગીરી ચાલુ છે.