પાલનપુરમાં વધુ એક છેડતીનો બનાવ : જોરાવર પેલેસના બગીચામાં એક યુવકે યુવતીની છેડતી કરી મોબાઈલ તોડી નાખતા હોબાળો
ભાગવા જતા યુવકને હોમગાર્ડ જવાનોએ ઝડપી લીધો: પાલનપુરમાં આવારા તત્વો માથું ઊંચકી રહ્યા હોવાની પ્રતીતિ કરાવતી વધુ એક યુવતીની છેડતી ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં જોરાવર પેલેસમાં આવેલ બગીચામાં એક યુવકે યુવતીની છેડતી કરી તેનો મોબાઇલ તોડી નાખતા હોબાળો થયો હતો. જોકે, ભાગવા જતા યુવકને હાજર હોમગાર્ડ જવાનોએ ઝડપી લીધો હતો.
પાલનપુરમાં નવાબી શાસનની યાદ તાજી કરાવતા જોરાવર પેલેસમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. જેથી દુર-દુરથી સરકારી કામ અર્થે આવતા અરજદારો જોરાવર પેલેસમાં કચેરીઓ સામે આવેલા બગીચામાં ફુરસતના સમયે બેસી સમય પસાર કરતા હોય છે.
જેમાં એક યુવતી ત્યાં બેઠેલી હતી. ત્યારે એક યુવકે તેની છેડતી કરી હતી અને યુવતી નો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો. જેથી હોબાળો મચી ગયો હતો. જોકે, હોબાળો થતા યુવક ભાગવા જતા હાજર હોમગાર્ડ જવાનોએ યુવકને ઝડપી લીધો હતો. આમ, પાલનપુરમાં હાઇવે પરની સોસાયટીમાં પરણિત યુવતીની દિન દહાડે છેડતીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ બીજી ઘટના ઘટતા જાણે પોલીસનો ખોફ ઓછો થઈ જવાની સાથે આવારા તત્વો બેફામ બનતા મહિલાઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે.