શહેરીજનોને વધુ એક બગીચાની ભેટ : ડીસામાં 3.22 કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્કનું ખાતમુહૂર્ત
ભારત માતાનું મંદિર,મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ, સહિતની અદ્યતન સુવિધા ઊભી કરાશે: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની હરીઓમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું દબદબાભેર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો હોઇ અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 3 કરોડ 22 લાખના ખર્ચે ડીસા શહેરમાં અધ્યતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભાજપના નેતાઓ, પાલિકાના કોર્પોરેટરો ને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારની અમૃતમ સીટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે.રૂપિયા 3.22 કરોડના ખર્ચે બનનાર બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષે આ બગીચાના કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બહોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે. અને એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. તેથી શહેરીજનોને અદ્યતન સવલતોથી સુસજ્જ વધુ એક બગીચાની ભેટ મળશે.
Tags Another Bharat Mata Park Disa