ઠંડીનો ચમકારા વચ્ચે : ધાનેરા તાલુકાની ત્રણ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો સરહદી ગણાય છે. અને રાજસ્થાનથી પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર ગણાય છે. થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દારૂ કે નશીલા પદાર્થો સાથે વાહનો પ્રવેશ ન કરે તે માટે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવે પરની મુખ્ય ચેકપોસ્ટ ઉપરાંત ધાનેરાની ત્રણ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે અને તમામ ગાડીઓ ચેક કર્યા બાદ જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠામાં ઠંડીનો ચમકારો વધતા બજારો વહેલા બંધ થઈ જાય છે. સાંજ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં પુરાઈ જાય છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ રાત્રીના 12:00 વાગે પણ આંતર રાજ્ય ચેકપોસ્ટ પર કકડતી ઠંડીમાં પણ તાપણાના સહારે પોતાની ફરજ નિભાવી રહી છે. એક તરફ સમગ્ર રાજ્યમાં કકડતી અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતા કકડતી ઠંડી વચ્ચે પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. કકડતી ઠંડી વચ્ચે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાની નેનાવા આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતી શંકાસ્પદ ગાડીઓને પણ તપાસ બાદ જ રાજસ્થાન તરફ જવા દેવામાં આવે છે.
ધાનેરા તાલુકાની ત્રણ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડેપગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ રહી છે. નેશનલ હાઈવે પરની મુખ્ય ચેકપોસ્ટ તેમજ તમામ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.