રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે : બનાસકાંઠામાં નકલી શિક્ષણ નિયામક બની બદલીનો ઓર્ડર કરનાર શિક્ષક સસ્પેન્ડ
ડુવા ગામની શિક્ષિકાનો બનાવટી બદલીનો ઓર્ડર કરનાર સસ્પેન્ડેડ શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ
રાજ્યમાં નકલી સિંચાઈ વિભાગ ની ઓફીસ, નકલી કોર્ટ, નકલી જજ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં નકલી શિક્ષણ નિયામકનો મામલો સામે આવ્યો છે. વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના આચાર્ય સામે શિક્ષણ વિભાગના નિયામકની નકલી સહી કરી બનાવટી બદલીનો હુકમ કરાયો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ શિક્ષકને સસ્પેન્ડ કરી તેના સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.
વડગામ તાલુકાના મજાદર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગ ના નિયામકની ડુપ્લીકેટ સહી કરી બદલીનો ઓર્ડર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદ તાલુકાના ડુવા ગામની પે કેન્દ્ર શાળાના શિક્ષિકા મીનાબેન પટેલની તબીબી કારણોસર બદલીનો બનાવટી ઓર્ડર કરી શિક્ષિકા સહિત સરકાર સાથે છેતરપિંડી આચરનાર બ્રિજેશ પરમાર નામના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેની સામે થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પોલીસ ફરિયાદ કરવાનો હુકમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ડો.વિનુભાઈ પટેલે કરતા ચકચાર મચી જવા પામી છે.
જોકે, જેની સામે આક્ષેપો થયા છે તે શિક્ષક બ્રિજેશ પરમારે ભર્યા તળાવમાંથી કોરાધાકોર નીકળવા નો પ્રયાસ કરતા પોતાના પર થયેલા આક્ષેપોને નકારી દીધા છે. તેઓએ પોતાનું રાજકીય કદ ઘટાડવા આક્ષેપો થયા હોવાનો દાવો કર્યો હતો. આમ, નકલી જજ, નકલી ટોલનાકુ, નકલી પોલીસ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં નકલી શિક્ષણ નિયામકનો કિસ્સો બહાર આવતા શિક્ષણ વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.
સસ્પેન્ડેડ શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ: વડગામ તાલુકાના મજાદર ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ નિયામકની નકલી સહી કરી બનાવટી બદલીનો ઓર્ડર કર્યો છે. જે કેસમાં ડુવા ગામની પે કેન્દ્ર શાળાના શિક્ષિકા મીનાબેન શિવાભાઈ પટેલની તબીબી કારણોસર બદલીનો મજાદર ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ પરમારે બનાવટી હુકમ કરી શિક્ષિકા અને સરકાર સામે છેતરપિંડી કરી હોવાનું ફલિત થતા ડી.પી.ઇ.ઓ. ડો. વિનુભાઈ પટેલે કસૂરવાર મનાતા શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. જોકે, મજાદર ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક(હાલ ફરજ મોકૂફી હેઠળ ફરજ બજાવતા ધાનેરા તાલુકાના નેનાવા પ્રાથમિક શાળા ના) બ્રિજેશ ગોવિંદભાઇ પરમાર સામે 3 દિવસમાં પોલીસ ફરિયાદ કરવા થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કરાયો છે.
લો બોલો…શિક્ષકનું પણ રાજકીય કદ ઘટે..! મજાદર પ્રાથમિક શાળાના આચાર્ય બ્રિજેશ પરમારે પોતાના સામેના આક્ષેપોને ફગાવી દેતા મીડિયા સમક્ષ વિચિત્ર નિવેદન કરતા જણાવ્યું હતું કે, પોતે H-ટાટ શિક્ષક સંઘ ગુજરાતના સંગઠન મંત્રી હોઈ મારુ રાજકીય કદ ઘટાડવા મને બદનામ કરવા સમયાંતરે મારા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અગાઉ શિષ્યવૃતિ ચાઉં કરવાના આક્ષેપો ને પણ નકારતા તેઓએ જણાવ્યું હતું કે, વારંવાર અમુક તત્વો દ્વારા મારા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને હું વારંવાર નિર્દોષ છૂટયા કરું છું. જેનો મને આનંદ છે.
Tags Amid Banaskantha fakes ordered transfer