બનાસકાંઠામાં ચાંદીપુરાના પ્રકોપ વચ્ચે: પૂનાની નેશનલ ઇસ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત: માણસ -પશુઓના બ્લડ સેમ્પલ લેવાયા
ચાંદીપુરાના 6 કેસ પૈકી 1 પોઝીટીવ: 4 નેગેટિવ: 1પેન્ડિંગ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કોહરામ મચાવ્યો છે. જેનો ભોગ બાળકો ભોગ બની રહ્યો છે. જેને લઈને કેન્દ્ર સરકાર ની ચાર ટીમો ગુજરાત માં સર્વે કરી રહી છે. ત્યારે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી. એન.આઇ.વી.ની ટીમે પાલનપુરના વોર્ડ નં. 2 માં જ્યાં બાળકીનું મોત થયું હતું તે વિસ્તારની મુલાકાત લઈ બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ પુનાની ટીમે આઈ.સી.યુ. માં સારવાર હેઠળ બાળકોની પણ મુલાકાત લીધી હતી અને તેમની વિગતો મેળવી હતી.
ગુજરાતમા ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે. જેના પગલે બાળકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે એક નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે 4 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની 6 સભ્યોની એક ટીમ પાલનપુર આવી પહોંચી હતી. જે ટીમે પાલનપુરની મૃતક બાળકી ના વિસ્તારમાં સર્વે કર્યો હતો. બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા. પુનાની આ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરશે અને વિગતો મેળવશે તેવું આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભારમલ પટેલે જણાવ્યું હતું.
આ ટીમે માણસોની સાથે પશુઓ ના પણ સેમ્પલ લીધા હતા. ટીમ જ્યાં જ્યાં કેસ નોંધાયા છે તે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વગ્રાહી અભ્યાસ કરી ચાંદીપુરા વાયરસ પર નિયંત્રણ મેળવવા આરોગ્ય તંત્રને માર્ગદર્શન આપશે.