વિધાનસભા સત્ર બંધ રાખી રાજ્યના તમામ ધારાસભ્યો અંબાજી દર્શને જશે
રાજ્યમાં હાલમાં પાંચ દિવસનો અંબાજી ખાતે પરિક્રમાં મહોત્સવ અને પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેના માટે મોટી સંખ્યામાં માતાના ભક્તો અંબાજી અને ગબ્બરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આ વચ્ચે વિધાનસભામાં 15મી ફેબ્રુઆરીએ ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા માટે પહોંચશે. જેના માટેનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે.બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 15 ફેબ્રુઆરીના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 15મી ફેબ્રુઆરીએ રાજ્યનું મંત્રીમંડળમાં અંબાના દર્શન કરવા માટે પહોંચશે.જ્યારે વિધાનસભાના તમામ ધારાસભ્યો અંબાજી દર્શને જવાના હોવાથી 15મી ફેબ્રુઆરીએ સત્ર બંધ રહેશે.
ગુજરાતના તમામ ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ 15 ફેબ્રુઆરીના રોજ બપોરે તમામ ધારાસભ્યો અંબાજી માટે રવાના થશે. જેની સાથે જ ત્યાં તમામ ધારાસભ્યો સાંજની આરતી અને રાત્રે પ્રસાદ લેશે અને માં અંબાના આશીર્વાદ મેળવશે.નોંધનીય છેકે, અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચ દિવસીય કાર્યકમોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરિક્રમા મહોત્સવ પર્વમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન યોજાઈ રહી છે. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે 2.10 લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો હતો.આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા સહિત 5 જિલ્લામાંથી 750 બસ, જે ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે નિ:શુલ્ક મૂકવામા આવી છે. નિ:શુલ્ક બસો અને નિ:શુલ્ક ભોજન સહિત આરોગ્ય, નાસ્તા-પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમોના લીધે પણ મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં પહોંચી રહ્યા છે. પરિક્રમા પથ ઉપર અલગ અલગ સંકુલોમાં શક્તિ યાગ પણ રોજેરોજ યોજાઈ રહ્યા છે.