![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પર-ગાડીચાલકે-બાઈકને-હેડ.jpg)
ડીસા-થરાદ રોડ પર ગાડીચાલકે બાઈકને પાછળથી અડફેટે લેતાં અક્સ્માત
ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડાયા: ડીસા-થરાદ હાઇવે પર આજે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
થરાદ હાઇવે પર ઘણા સમયથી ચાર માર્ગીય રોડ બની રહ્યો છે. જેના કારણે કેટલીક જગ્યાએ નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે પણ બાઈક ચાલક બે યુવકોને અકસ્માત નડ્યો હતો. બાઈક સવાર બે યુવકો થરાદથી ડીસા તરફ આવી રહ્યા હતા અને ગામડી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. યુવકોને માથાના ભાગને ગંભીર ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયા હતા.