પાંથાવાડામાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલક, આચાર્ય અને ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાયા
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં આવેલી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક, આચાર્ય અને ક્લાર્ક 10 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે. શાળા ગ્રાન્ટેડ હોવા છતા ધોરણ 11 સાયન્સમાં એક વિદ્યાર્થીને એડમિશન આપવા બદલ વાલી પાસેથી 20 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. વાલી આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ત્રણેયને 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પાસે શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા આવેલી છે. જેમાં આ કામના ફરિયાદીના દીકરાને ધોરણ 11 સાયન્સમાં એડમિશન મેળવવું હતું. આ શાળા ગ્રાન્ટેડ હોય સરકારી ધારાધોરણ મુજબ નિયત કરેલી ફી રૂપિયા 380 ચાલતી હોવા છતા ફરિયાદી પાસે શાળાના આચાર્ય મનોજકુમાર કાનજીભાઈ પટેલ અને શાળાના સંચાલક અર્જુનભાઈ સોલંકીએ 20 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. જેમાં 10 હજાર પ્રથમ સત્રમાં અને બાકીના 10 હજાર બીજા સત્રમાં આપવા જણાવ્યું હતું.
એસીબીએ છટકું ગોઠવી શાળામાંથી ત્રણેયને ઝડપી લીધા: આ કામના ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન શાળાના આચાર્યએ હેતુલક્ષી વાતચીત કરી ક્લાર્કને રૂપિયા આપી દેવાનું જણવ્યું હતું. ક્લાર્ક લાંચના નાણા સ્વીકારતા જ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ ત્રણેયને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.