ડીસામાં કાળઝાળ ગરમીમાં આધાર કાર્ડ અપડેટ માટે અરજદારોના ધરમધકકા
આધાર કાર્ડ સેન્ટર ઉપર અરજદારોનો ભારે ઘસારો
વારંવાર સર્વર ડાઉન થતાં આધાર કાર્ડની કામગીરી કરતાં ઓપરેટરો પણ મુશ્કેલીમાં: ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આધાર કાર્ડ સેન્ટર પર છેલ્લા પાંચ છ દિવસથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે.
આટલી ગરમીમાં પણ અત્યારે સવારથી જ લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈનોમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે.તેમ છતાં આધાર કાર્ડ અપડેટ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરાવવા ડીસા મામલતદાર કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
ડીસામાં એક બે બેન્કોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે જેમાં પણ શનિ-રવિની રજા,જાહેર રજા, કર્મચારીઓની ઘટ સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર સવારથી જ મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા રહેતા નજરે પડી રહ્યા છે.
છતાં એસી ઓફીસમાં બેઠેલા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી અત્યારે દરેક શાળાઓમાં આધાર કાર્ડ અપડેટ ફરજિયાત કરી દેવામાં આવી છે જેના કારણે સવારે 6:00 વાગ્યાથી માંડી સાંજે 5:00 વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો પોતાના બાળકો સાથે મામલતદાર કચેરી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે પણ લાઈનોમાં ઉભેલા નજરે પડી રહ્યા છે.
એક તરફ કાળજાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ આટલી ગરમી વચ્ચે પણ વાલીઓ પોતાના બાળકો સાથે લાંબી કતારોમાં ઉભેલા નજરે પડી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી માત્ર લાઈનોમાં ઊભા રહીને આધાર કાર્ડ નીકાળ્યા વગર જ પરત પોતાના ઘરે જવું પડે છે જેના કારણે હાલમાં અહીં આધાર કાર્ડ કઢાવવા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અહીં આવતા અરજદારોનું કહેવું છે કે રોજેરોજ હેરાન થાઓ તેના કરતાં સરકાર દ્વારા આધાર કાર્ડ બંધ કરી દેવું જોઈએ જેનાથી લોકોને હેરાન પરેશાન ન થવું પડે.
Tags Aadhaar card Disa update