ભોયણ રેલવે ફાટક પાસે માલગાડી હેઠળ મહિલાએ પુત્રી સાથે મોતની છલાંગ લગાવી
(રખેવાળ ન્યૂઝ)ડીસા, પાલનપુર-ગાંધીધામ રેલલાઈન પર ડીસાના ભોયણ ફાટક પાસે માલગાડી નીચે શ્રમિક મહિલાએ બાળકી સાથે ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી મચી છે. આ બાબતે ભીલડી રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ભોયણ રેલવે ફાટક પાસે આજે સવારે ૧૧ઃ૦૦ વાગ્યાના સુમારે પાલનપુરથી ગાંધીધામ તરફ માલગાડી જઈ રહી હતી.
ત્યારે ટ્રેનના પાછળના ભાગે અચાનક એક મહિલાએ બાળકી સાથે ઝંપલાવી દેતા ટ્રેન નીચે આવી જવાથી બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા જ માલગાડી થોભાવી દેવામાં આવી હતી જ્યારે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. આ બનાવની જાણ માલગાડીના રેલવે કર્મચારીએ ડીસા રેલવે સ્ટેશન ખાતે કરતા ભીલડી પોલીસ મથકમા જાણ કરાઇ હતી. મૃતક મહિલાએ પોતાની એક વર્ષની બાળકી સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. મૃતક મહિલા ગ્રામ્ય વિસ્તા રોમાં ફેરી કરી બંગડી, બુટ્ટી, બિંદીનું વેચાણ કરતી હતી અને પ્રાથમિક તપાસમાં ગવારીયા કોમની હોવાનું માલુમ પડ્યું છે. આ અંગે ભીલડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી લાશનું ડીસા સિવિલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.