બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓના કુલ ૪૨૪ ગામોનો યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
કુલ ૨૮,૫૦૭/- રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર
જિલ્લાના ૧૪ તાલુકાઓના કુલ ૪૨૪ ગામોનો યોજાયો સેવા સેતુ કાર્યક્રમ: બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત તા.૪ ઓકટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓના કુલ ૪૨૪ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરીને દરેક તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જિલ્લાના નાગરિકોને ઘર આંગણે સરકારની ૫૫ જેટલી સીધી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સરકારના વિવિધ વિભાગોના ૨૨૩ જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા જેનો લાભ નાગરિકોને મેળવ્યો હતો. જિલ્લામાં ભાભર તાલુકામાંથી ૩૧૭૪, સુઈગામ તાલુકામાંથી ૨૧૦૩, ધાનેરા તાલુમાંથી ૨૦૦૭, દાંતીવાડા તાલુકામાંથી ૨૯૦૯, ડીસા તાલુકાની ૧૯૨૩, કાંકરેજ તાલુકાની ૩૫૯૫, વાવ તાલુકાની ૨૫૦૫, થરાદની ૨૧૦૧, દિયોદરની ૧૮૭૧, વડગામની ૧૩૫૧, લાખણીની ૧૫૬૫, દાંતાની ૧૨૮૩, અમીરગઢ તાલુકાની ૧૪૭૫ તથા પાલનપુર તાલુકાની કુલ ૧૭૦૫ રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ કરાયું હતું.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે ૧૯ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના જેલાણા ખાતે ૧૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના રવિયા ખાતે ૨૭ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે ૧૯ ગામનો, ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ૪૧ ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે ૨૦ ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે ૨૬ ગામનો, થરાદ તાલુકાના આસોદર ખાતે ૪૬ ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે ૨૧ ગામનો, વડગામ તાલુકાના પિલુચા ખાતે ૪૨ ગામનો, લાખણી તાલુકાના મોટા કપરા ખાતે ૧૮ ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે ૭૩ ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના વેડંચા ખાતે ૩૭ ગામોના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.