અમીરગઢ ઇસવાણી નજીકથી પસાર થતી કલેડી નદીમાં પાણીનો વધારો થતા દૂધ ભરેલું ટેન્કર ફસાયું
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પાણીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે વહેલી સવારે ઇસવાણી અમીરગઢ નજીકથી પસાર થતી કલેડી નદીમાં રાત્રી દરમિયાન પાણીમાં વધારો થયો હતો. જેથી વહેલી સવારે ઇસવાણી ગામમાં દૂધનું ટેન્કર દૂધ ભરાવા પહોંચ્યું હતું. જોકે, દૂધ ભરીને પરત અમીરગઢ તરફ જતા કલેડી નદીમાં દૂધનું ટેન્કર ફસાઈ ગયું હતું.
આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ટેન્કરને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. કલાકોની મહેનત બાદ પણ ટેન્કર નદી બહાર ના નીકળતા આખરે જેસીબીની મદદ થી ચાર કલાકની ભારે જહેમત બાદ કલેડી નદીમાંથી દૂધના ટેન્કરને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ઇસવાણી અને સોનવાડી ગામના લોકોની વર્ષોથી પુલ બનાવવાની માગ છે. પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. કારણે કે પુલ હોય તો આ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે તેમ છે.