ડીસાના કોલ્ડ સ્ટોરેજમાંથી શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 36 લાખની કિંમતનો માવાનો જથ્થો સીઝ કર્યો: દિવાળીના તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈ સહિતની ચીજોનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં અખાદ્ય ચીજ વસ્તુઓ પકડવાની કામગીરી તેજ બનાવી છે. ત્યારે ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.જેમાં ડીસા -પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. જે માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂ.36 લાખની કિંમતનો જથ્થો સીઝ કર્યો હતો. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયા છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.જેનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.