પાલનપુરના કાણોદર પાસે આઇસર ટ્રક ચાલકે અડફેટે લેતાં માતા-પુત્રીનું મોત
પાલનપુર તાલુકાના કાણોદર પાસે એક મહિલા અને તેની બે દીકરીઓને સિદ્ધપુર તરફથી આવી રહેલાં એક આઈસર ચાલકે હાઈવે ઉપર ટક્કર મારી હતી. જેમાં એક મહિલા અને તેની દીકરીનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી આઈસર ચાલક આઈસર ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે ઉપર એક મહિલા પોતાની બે દીકરીઓ સાથે કાણોદર ઘરવખરીનો સમાન લેવા આવી હતી. સામાન ખરીદી કરી પોતાની બે દીકરીઓ સાથે પરત ઘર તરફ જતાં સિદ્ધપુર તરફથી પૂરઝડપે આવી રહેલાં એક આઈસર ટ્રક ચાલકે મહિલા અને તેની દીકરીઓને ટક્કર મારી હતી. જેમાં આઇસર ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.
આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 108 દ્વારા એક મહિલા અને બે દીકરીઓને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, તે સમયે એક મહિલાનું અને તેની એક દીકરીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક દીકરી ગંભીર હાલતમાં હોવાથી તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસે આઈસર ટ્રક નંબર (GJ 36 T 6061) ના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.