થરાદના રાહ ગામે મીની ટ્રકે ટક્કર મારતા આધેડનું મોત
(રખેવાળ ન્યૂઝ)રાહ , થરાદના રાહ ગામના ચાર રસ્તા પર જીપડાલામાંથી નીચે ઉતરી ભાડું આપવા જતાં આધેડને પુર ઝડપે આવી રહેલ આઈશર મીની ટ્રકના ચાલકે ટક્કર મારી મોત નિપજાવી નાસી છૂટ્યો હતો.
થરાદના રાહ ગામના પ્રેમાભાઇ રવાભાઈ મજીરાણા ઉંમર વર્ષ ૪૫ ખેંગરપુરા ગામે ભાગીયા તરીકે ખેત મજૂરી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા ત્યારે ગઈકાલે તેઓ પોતાના ગામ રાહ ખાતે આવવા માટે ખાનગી જીપડાલામાં બેસી રાહ ચાર રસ્તા પર ઉતરી જીપડાલા ચાલકને ભાડાના રૂપિયા આપતા હતા ત્યારે તેવા સમયે થરાદ તરફથી પુરઝડપે બેફામ આવી રહેલ આઈશર મીની ટ્રકના ચાલકે પ્રેમાભાઈને ટક્કર મારી મીની ટ્રક લઈને નાસી છૂટ્યો હતો.
આથી ધડાકાભેર ટક્કર મારવાથી પ્રેમાભાઈ મજીરાણાનું મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોકો દોડી આવી થરાદ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે તપાસ હાથ ધરી છે.