ડીસામાં ધારાસભ્યના જન સુનાવણી કાર્યક્રમમાં પ્રશ્નોની ઝડી વરસી : શહેરી વિસ્તારમાં ટ્રાફિક,ગટર, રસ્તાના પ્રશ્નો

બનાસકાંઠા
બનાસકાંઠા

શહેરી વિસ્તારમાં ટ્રાફિક,ગટર, રસ્તાના પ્રશ્નો : ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીની સમસ્યાઓ

પ્રશ્નો નહીં ઉકેલાય તો જન આંદોલન કરવા મજબૂર થવું પડશે : કાર્યકરો ડીસામાં  ભાજપ તેમજ વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જન સુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો, કાર્યકરો તેમજ લોકોએ સમસ્યાઓના પ્રશ્નો અંગે રીતસરની ઝડી વરસાવી હતી. શહેરી વિસ્તારમાં ટ્રાફિક ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીને લગતી સમસ્યાઓના તેમજ પાણીના પ્રશ્નો સામે આવતા સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી. જોકે જો પ્રશ્નો નહીં ઉકેલાય તો જન સુનાવણી બાદ જન આંદોલન કરવા પણ મજબૂર થવું પડશે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું.

ડીસા નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતોના ડેલિગેટો, સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. જેમાં ડીસા પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેરમાં બેફામ અને દારૂ વેચાતો હોવાની ધારદાર રજૂઆત કરી હતી. જ્યારે  ખુદ ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં દબાણ, ગટર, રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા નાયબ કલેકટરે સંબંધિત અધિકારીઓ પાસે તેના જવાબ રજૂ કરાવી તે પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી.

ડીસામાં જાહેરમાં ઘાસ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ઘાસ વેચાતું હોવાથી હવેથી સતત 15 દિવસ સુધી પોલીસને આવા પ્રતિબંધિત પોઇન્ટ ઉપર ઉપસ્થિત રહેવા આદેશ કરાયો હતો. જ્યારે પાલિકાના કોર્પોરેટર રમેશ રાણાએ શહેરના રાજપુર રોડ પર તીનબત્તી પાસે એક જ કોમના લોકોએ મોટા મોટા દબાણો કરી તે જગ્યામાં ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર ધંધા કરતા હોવાની ચોકાવનારી રજૂઆત કરી હતી.

આ ઉપરાંત ડીસા ગ્રામ્ય વિસ્તારની સુનાવણી દરમિયાન આગેવાનોએ સૌથી વધુ વીજ કંપનીની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ડો. રાજાભાઈ ચૌધરીએ ઝેરડા જીઈબી કચેરી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઝેરડા કચેરી દ્વારા વર્ષ 2023 માં રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ તૂટેલા છે જેને ખેડૂતો ટેકા આપી ઉભા રાખે છે, વીજ વાયરો ઢીલા થઈ નીચે લબડી રહ્યા છે. જેવા અનેક પ્રશ્નો અંગે અધિકારીઓ સાંભળતા નથી. જેથી નાયબ કલેક્ટરે ઝેરડા વીજ કમ્પનીના નાયબ ઇજનેરને લોકોની આટલી રજૂઆતો હોવા છતાં કંઈ કામ થતું  ન હોય તે યોગ્ય નથી તેમ કહી જાહેરમાં ખખડાવ્યા હતા. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો નીમ કરવાની,રસ્તાઓના જંગલ કટીંગ, સિંચાઈની નહેરોની સફાઈ જેવા પ્રશ્નો આગેવાનોએ રજૂ કર્યા હતા.

પૂર્વ ધારાસભ્યે દબાણ અને રસ્તાના પ્રશ્ને અધિકારીઓને આડે હાથ લીધા: ડીસામાં જન સુનાવણી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ અધવચ્ચેથી કાર્યક્રમમાં આવી શહેરમાં આડેધડ ઊભા થઈ રહેલા બાંધકામો અને ગેરકાયદેસર દબાણ અંગે પાલિકાના ચીફ ઓફિસર તેમજ જુનિયર ટાઉન પ્લાનરને રીતસરના આડે હાથ લીધા હતા. શહેરમાં ઊભા થઈ રહેલા ગેરકાયદેસર દબાણોના કારણે તંત્ર અને સરકાર બદનામ થતું હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ડીસાના લીઝ ધારકોનો રસ્તાનો પ્રશ્ન નાયબ કલેકટર તેમજ ધારાસભ્ય સમક્ષ ઉપસ્થિત કરી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક રળી આપતા લીઝ ધારકોનો રસ્તો બંધ કરવો યોગ્ય નથી. સરકારે લીઝ આપતી વખતે તમામ રસ્તાઓનું ધ્યાન રાખ્યા બાદ જ તેની ફાળવણી કરી છે તેમ જણાવી આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા પણ ઉગ્ર રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.