જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી
પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિઝીટ ભાર મુકતા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ: જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર વરુણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝીટ કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં આગામી 15 મી ઓગષ્ટની ઉજવણી, વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું.
બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય સર્વ કેશાજી ચૌહાણ, કાંતિભાઈ ખરાડી, અનિકેત ઠાકર, પ્રવીણભાઇ માળી, અમૃતજી ઠાકોર, જીજ્ઞેશભાઈ મેવાણી, તથા માવજીભાઈ દેસાઇ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઇ હતી.
જેમાં જમીન માપણી-રીસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાઓની ઘટ, નવા ઓરડાઓની મંજૂરી, જર્જરિત શાળાઓ, આંગણવાડીના નવીન મકાન-રીનોવેશન, મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે, તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી.