બનાસની 80 ટકા આદિવાસી પ્રજા સરકારી યોજનાઓના લાભથી વંચિત

બનાસકાંઠા
બનાસકાંઠા

વિકાસ વિનાનું બનાસ ભાગ -2

દાંતા અને અમીરગઢના મોટાભાગના લોકો પાસે જન્મનું કોઈ પ્રમાણપત્ર જ નથી

મોટાભાગની આદિવાસી પ્રજાનાં સંયુક્ત કૌટુંબિક રેશનકાર્ડ

વીજળી, ગેસ કનેકશન,જન્મ દાખલો,આદિવાસી જાતિ પ્રમાણપત્રનો પણ અભાવ

નવી પેઢી સિવાય જૂની પેઢી પાસે જન્મનું કોઈ જ પ્રમાણપત્ર ન હોવાથી આદિજાતી પ્રજા સરકારી લાભોથી વંચિત

80 ટકા પ્રજા સરકારી લાભોથી વંચિત છતાં કાગળ પર કરોડોની ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે? – તપાસનો વિષય

જમીની હકીકતમાં દાંતા, અમીરગઢનાં મોટાભાગનાં આદિવાસી ગરીબી રેખાની નીચે આવે છે

દારૂણ ગરીબીમાં જીવતા સેંકડો આદિવાસીઓના રેશનકાર્ડમાં નામ પણ એપીએલમાં બોલે છે

ગુજરાત રાજ્યની ઉત્તરે અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ બનાસકાંઠા જિલ્લો રાજકીય તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વનો જિલ્લો છે. બનાસ નદીનાં કાંઠે વસેલા આ જિલ્લાનું નામ બનાસ નદી પરથી જ પડ્યું છે. અહી બી.કે.ગઢવી, જે.વી.શાહ અને હરિભાઈ ચૌધરી તેમજ શંકરભાઈ ચૌધરી જેવા દિગ્ગજ રાજનેતાઓએ જિલ્લાના વિકાસમાં મહત્મ યોગદાન આપ્યું છે, તો જિલ્લાના એક છેડે જગ વિખ્યાત જગતજનની માઁ અંબા અને બીજે છેડે બીએસએફનાં શૂરવીર સૈનિકો નડાબેટ બોર્ડર પર ભારત પાકિસ્તાન સીમા પર ખડેપગે સેવા આપી જિલ્લાના ભૌગોલિક સીમાડાનું રખોપું કરે છે.

જેના થકી એક સમયે પછાત જિલ્લા તરીકે બદનામ બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની કેડી કંડારી રહ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના શહેરી વિકાસની સાપેક્ષમાં ગ્રામીણ વિકાસ હજુ જોઈએ તેવો થયો નથી. આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામો અસ્તિત્વમાં છે જ્યાં લોકો રસ્તા, પાણી, વીજળી કે નેટ કનેક્ટિવિટી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, જિલ્લાનાં દાંતા અને અમીરગઢ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમુદાયની પ્રજા વસવાટ કરે છે. તેથી આ જિલ્લાઓને નિયમ મુજબ આદિવાસી તાલુકાઓને મળતા લાભો મળવા જોઈએ, તેમ છતાં હજુ પણ આ જિલ્લામાં એવા અનેક ગામો અસ્તિત્વમાં છે જ્યાં ગ્રામજનોને આદિવાસી વિકાસ યોજનાઓના લાભો પણ મળ્યા નથી, અરે એથીયે વિશેષ વાત તો એ છે કે એક સામાન્ય જીવન જીવવા માટે  જરૂરી એવી રસ્તા, પાણી, વીજળી જેવી સામાન્ય સગવડથી પણ દાંતા અને અમીરગઢનાં અનેક ગામો વંચિત છે. જેના પરિણામે આઝાદીનાં આટલા વર્ષો બાદ આ ગામો વિકાસ વિનાનાં બનાસની કડવી વાસ્તવિકતામાં જ જીવવા મજબુર બન્યા છે.

દાંતા, અમીરગઢના અનેક ગામો આજે પણ પાકા રસ્તાથી વંચિત

અમીરગઢ તાલુકાનાં ખાટીસિતરા, ડાભચિતરા, કરમદી, રબારણ, માંડલિયા, ખજુરિયા, જાંબુપાણી, ઉપલાઘોડા, નીચલાઘોડા જેવા ગામોમાં આવવા જવા માટે વિરમપુર તેમજ અમીરગઢ બંને બાજુથી રસ્તા પડે છે. પરંતુ આ તમામ ગામોમાં એક તરફ જ પાકો રસ્તો બનેલો છે, જેને લીધે કેટલાક ગામોમાં તાલુકા મથક અમીરગઢ જવા સુધીના પાકા રસ્તાનો અભાવ છે, તો કેટલાક ગામોનો વિરમપુર તરફ જતો પાકો રસ્તો હજુ સુધી બન્યો નથી. બીજી તરફ દાંતા તાલુકામાં પણ આવા રસ્તા વિનાનાં ગામોની ભરમાર છે.

આ બન્ને તાલુકાઓની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો, અહીંની આદિવાસી પ્રજા છુટાછવાયા ડુંગરાળ વિસ્તારોમાં રહે છે, તેથી મોટાભાગના ગામોમાં ગ્રામ પંચાયત સુધી જ રસ્તો બની શકતો હોય છે. પરંતુ આ તાલુકાઓમાં વન અભ્યારણ્ય વિસ્તાર અને પહાડી ક્ષેત્ર હોવાથી આજે પણ બંને તાલુકાઓમાં  ખાટીસિતરા, ડાભચિતરા જેવા અંદાજિત વીસેક ગામો એવા હશે જ્યાં ગામમાં આવવા જવા માટે કોઈ જ પાકો રસ્તો નથી. એટલું જ નહિ, આ ગામોમાં પંચાયત ઘર સુધી આવવા જવાનો કાચો કેડી વાળો રસ્તો પણ ચોમાસામાં ધોવાઈ જતો હોય છે. તેથી ચોમાસાનાં ત્રણ ચાર મહિના તો આ ગામો એક પ્રકારે સંપર્ક વિહોણા જ થઇ જતાં હોય છે.

શર્મ કરો બાબુઓ !!દાંતા -અમીરગઢનાં 80 ટકા લોકો સરકારી લાભોથી વંચિત

એક તરફ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દર વર્ષે આદિવાસી તાલુકાઓના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાઓના પેકેજ જાહેર કરે છે, પરંતુ ગુજરાતમાં આજે પણ અમીરગઢ અને દાંતા જેવા અનેક આદિવાસી તાલુકાઓ અસ્તિત્વમાં છે જ્યાંના આદિવાસી પ્રજાજનો પાસે જન્મ દાખલા કે આધારકાર્ડ જેવા પ્રાથમિક દસ્તાવેજી પુરાવા પણ નથી. જેના પરિણામે સરકારની 80 ટકાથી વધુ યોજનાઓનાં લાભ લોકોને મળી શકતા નથી. આવા ગામોમાં લોકો પાસે માત્ર સામુહિક રેશનકાર્ડ જ હોવાથી આદિવાસી પ્રજાને અનાજ સિવાય જવલ્લે જ અન્ય કોઈ યોજનાનો લાભ મળે છે.

સરકારે KYC ફરજીયાત કરતાં આદિવાસી પ્રજાનાં રેશનકાર્ડ પણ બંધ થવાની ભીતિ

દાંતા અને અમીરગઢના ગ્રામજનો પાસે માત્ર રાશનકાર્ડ જ ઉપલબ્ધ હોવાથી હાલમાં તેઓને અનાજ, ઘઉં જેવા રાશનનો સરકારી લાભ મળી રહ્યો છે. પરંતુ આમાંથી મોટાભાગના રાશનકાર્ડ બબ્બે ત્રણ ત્રણ પેઢીના સંયુક્ત હોવાથી હવે કેવાયસી કરવા દરેક વ્યક્તિને પોતાનું રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે પરંતુ  મોટાભાગની આદિવાસી પ્રજા પાસે પોતાના જન્મનું કોઈ પ્રમાણપત્ર જ ઉપલબ્ધ નાં હોવાથી તેમનું કેવાયસી પણ થવું મુશ્કેલ છે. તેવામાં કેવાયસી ફરજીયાત થવાથી આવનાર સમયમાં આદિવાસી પ્રજાજનોનાં રેશનકાર્ડ પણ બંધ થઇ જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.