બનાસકાંઠાની ૯ બેઠકો પર ૭૫ ઉમેદવારો મેદાનમાં
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં નવ સીટો માટે કુલ ૭૫ ઉમેદવારો મેદાનમાં છે,જેમાં આ વખતે ભાજપ ,કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ પણ દરેક સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે,ત્યારે કઈ સીટ પર કોણ જીતે છે અને કોણ કોને હરાવવામાં સફળ થાય છે તે જાેવું રસપ્રદ રહેશે. બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો પર હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.જિલ્લાની સરહદે આવેલ વાવ વિધાનસભા સીટ પર હવે ૬ ઉમેદવારો આમને સામને છે. ઉમેદવારી પત્રક પાછા ખેંચવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસ પોતાના નારાજ આગેવાનને મનાવવામાં અસફળ રહી ,અને અમીરામ આસલ હવે કોંગ્રેસથી છેડો ફાડી અપક્ષ તરીકે કોંગ્રેસનાં ગેનીબેન સામે મેદાનમાં ઉતર્યા છે.વાવ વિધાન સભા બેઠક ઉપર હવે કોંગ્રેસ માંથી મહિલા ઉમેદવાર ગેની બેન નગાજી ઠાકોર,ભારતીય જનતા પાર્ટી માંથી ઠાકોર સ્વરૂપજી સરદારજી ઠાકોર,બહુજન સમાજ પાર્ટી માંથી પરમાર નયનાબેન રાણા ભાઈ,આમ આદમી પાર્ટી માંથી ભેમજી ભાઈ નાગજી પટેલ,અપક્ષ માંથી અમીરામ ભાઈ શંકર લાલ આસલ અને શાંતિલાલ હાજાજી રાઠોડ એમ કુલ ૬ વ્યક્તિઓ સામે ચૂંટણી જંગ જામશે.ત્યારે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો કોને કેટલું નુકશાન પહોંચાડે છે તે જાેવું રહ્યું..
ડીસામાં ૧૧ ઉમેદવારો : ભાજપ,કોંગ્રેસ,આપ વચ્ચે મુખ્ય જંગ…
ડીસા વિધાનસભા બેઠક માટે સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમય બાદ કુલ ૧૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. જેથી ડીસામાં હવે છ રાજકીય પાર્ટીઓ અને પાંચ અપક્ષો મળી ક્રિકેટ ઇલેવન વચ્ચે ચૂંટણી જંગ જામશે.ડીસા વિધાનસભા બેઠક માટે કુલ ૧૭ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં છ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પ્રજા વિજય પક્ષ, ગરવી ગુજરાત પાર્ટી અને નેશનલ મહાસભા એમ છ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો તેમજ પાંચ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જાેકે ડીસામાં મુખ્ય હરીફાઈ તો ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી, કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલ અને અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર વચ્ચે રહેશે. એ જાેતા ડીસામાં ચાર પાંખીઓ જંગ જામશે તેમ કહી શકાય.
થરાદ બેઠક પર સહુથી વધુ ૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે,જેમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી,બહુજન સમાજવાદી પાટી સહિત અને અન્ય નાની મોટી પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે,જ્યારે અહીં અપક્ષો પર સહુ કોઈની નજર છે.પરંતુ ભાજપે ચૌધરી સમાજનાં આગેવાન અને વર્તમાન બનાસ ડેરીનાં ચેરમેન શંકરભાઈની સીટ બદલી આ વખતે થરાદથી મેદાનમાં ઉતાર્યા છે.જેમનો સીધો મુકાબલો કોંગ્રેસનાં સીટીંગ એમ.એલ.એ.ગુલાબસિંહ રાજપૂત સામે છે.તેથી અહીં શંકરભાઇની હાર જીત પર સહુ કોઈની નજર રહેલી છે.
કાંકરેજ બેઠક પર માત્ર ૫ જ ઉમેદવારો મેદાનમાં છે,જેમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી,બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ થનાર છે.અહીં ઠાકોર મતોનું પ્રભુત્વ છે.તેથી આ વખતે પણ બન્ને પક્ષોએ પોત પોતાના ઉમેદવારો રિપીટ કર્યા છે. .ત્યારે શિવાભા સામે ગત ચૂંટણીમાં નજીવા મતોથી હારનાર કેશાજી આ વખતે કેટલો દમ ખમ બતાવે છે તે તરફ સહુ કોઈની નજર છે,આ વખતે અહીં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે તેથી અહીં રોચક જંગ જામવાની શકયતા છે,પરંતુ મુખ્ય ટક્કર તો ફરીથી ભાજપ કોંગ્રેસ વચ્ચે જ થાય તેવુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે..
પાલનપુર વિધાનસભા ચૂંટણી જંગઃ ૦૯ ઉમેદવારો જંગે મેદાનમાં
સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર વિધાનસભા સીટ પર ૧૪ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જાેકે, ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિને ૦૫ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થતા હવે ૦૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.પાલનપુર વિધાનસભા સીટ પર ભાજપના અનિકેત ઠાકર, કોંગ્રેસના મહેશભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના રમેશભાઈ નાભાણી, બહુજન સમાજ પાર્ટીના શૈલેષભાઇ પરમાર સહિત ૫ અપક્ષો મળી કુલ ૦૯ ઉમેદવારો જંગે મેદાનમાં રહ્યા છે. પાલનપુર બેઠક પર કુલ ૧૪ ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જાેકે, ૧૪ પૈકી ૦૫ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે ૦૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.