થરાદના મોરથલમાં 66 કે.વી. સબસ્ટેશનનું કરાયું ભૂમિપૂજન

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના મોરથલ ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા રૂ. 668.20 લાખના ખર્ચથી નિર્માણ પામનાર 66 કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં વીજળીની કેવી સમસ્યાઓ હતી એ દિવસો પણ આપણે જોયા છે. આજે જેકટો પ્રોએક્ટિવ બનીને કામ કરે છે ત્યારે મોરથલ 66 કે. વી. સબ સ્ટેશન બનવાથી આ વિસ્તારની વીજ સમસ્યા દૂર થશે. તેમણે કહ્યું કે મોરથલની જેમ મલુપુર અને કમાલીમાં પણ નવા 66 કે.વી. સબ સ્ટેશન શરૂ કરવામાં આવશે. જેનાથી ભવિષ્યની વીજળીની માંગને પુરી કરી શકાશે. આ વિસ્તારના તળાવો ભરવા માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયા મંજુર કર્યા છે ત્યારે જળ સંચયના કામો કરીને આ ધરતીને પાણીદાર બનાવવી છે. જળ સંચયની જેમ માટીને બચવવાનું કામ પણ કરવું પડશે. વર્ષો પહેલાં આપણા પૂર્વજો બિનપિયત ખેતી કરતા હતા. આજે યુરિયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોના અંધાધુંધ ઉપયોગથી જમીન મૃત બની રહી છે ત્યારે ગાયના દેશી છાણ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી આપણે બધાએ ભેગા મળીને ધરતીને જીવંત કરવાની મુહિમ ઉપાડવી છે.જેકટોના એમ. ડી. ઉપેન્દ્ર પાંડેએ જણાવ્યું કે મોરથલ 66 કે. વી. સબ સ્ટેશન માટે 4900 ચો. મી. જમીન સંપાદન કરવામાં આવી છે. હાલ 5 ફીડરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી મોરથલ, ડેડુવા, થેરવાડા, ડેડુડી, બેવટા, લુણવા, ચાંગડા, મેઘપુરા, કિયાલ સહિત આજુબાજુના 3000 જેટલાં ખેડૂતોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. આ વિસ્તારમાં બીજા 5 નવા સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે. પ્રકૃતિના આશીર્વાદથી આ વિસ્તારમાં ખુબ સરળતાથી સોલાર ઉર્જા ઉત્પાદન કરી શકાય છે.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, અગ્રણીઓમાં દાનાભાઇ માળી, મેવાભાઇ ખટાણા, મદદનલાલ પટેલ, વિનોદભાઈ પટેલ, ડૉ. કરશનભાઈ પટેલ, મુખ્ય ઈજનેર કે.એચ. રાઠોડ, અધિક્ષક ઈજનેર વી. પી. પરમાર, પ્રાંત અધિકારી કે. એસ. ડાભી સહિત જેટકોના અધિકારીઓ, સરપંચ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.