51 શક્તિપીઠ મંદિર અને પરિક્રમા પથ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઊઠ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે હાલમાં પરિક્રમા મહોત્સવ પાંચ દિવસનો પર્વ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યાં છે. આ પ્રસંગે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા પથ, 51 શક્તિપીઠ મંદિર સાથે અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ હતી. સુંદર અને અદભુત રોશનીને જોઈ યાત્રિકોએ આનંદ મેળવ્યો હતો.અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. કલરફુલ લાઇટોથી મંદિર પરિસર અને મંદિરના શિખરને પણ શણગારવામાં આવ્યું છે. આ સિવાય ગબ્બર પરિક્રમા પથ ઉપર પણ રંગબેરંગી લાઈટો લગાડવામાં આવી છે. ગબ્બર ખાતેના મુખ્યદ્વાર, અંબાજી મંદિરનો શક્તિદ્વાર, ગબ્બર સર્કલ પરનો શક્તિચોક અને 51 શક્તિપીઠ સર્કલ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઊઠ્યાં છે. અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ પર્વને લઈને સુંદર કાર્યક્રમો ચાલી રહ્યાં છે.


આજથી શરૂ થયેલા ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ધ્યાને રાખીને અંબાજી ગબ્બર પર ખૂબ જ સુંદર અને અદભુત રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. ગબ્બર પર્વતને અદભુત રોશનીથી શણગારવામાં આવ્યું છે. તો સાથે સાથે અંબાજી ગબ્બર સર્કલથી લઈને ગબ્બર સુધી રોડના બંને સાઇડના ભાગે પણ લાઇટિંગના થાંભલાઓ ઉભા કરાયા છે. અંબાજી મંદિરને પણ ખૂબ જ સુંદર લાઈટિંગથી શણગારાયું છે.મોટી સંખ્યામાં આવતા યાત્રીકો આ પરિક્રમા મહોત્સવમાં દિવસની સાથે સાથે રાત્રે પણ અદભુત નજારાનો લાભ લઈ રહ્યા છે અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ગબ્બર તળેટી ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’માં પણ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાથોમાં દીવાઓ લઈને માતાજીની આરતીમાં સામેલ થયા હતા. મા જગતજનની અંબાની આરતી કરી ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદ સાથે ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.