પાલનપુરમાં રૂ.3.50 લાખનો ચેક રિટર્ન થતા મહિલાને 6 માસ ની સજા
ભેંસોનો તબેલો કરવા ઉછીના લીધા હતા:મહિલા સામે સજાનું વોરંટ કાઢતી કોર્ટ,પાલનપુર તાલુકાના સદરપુરમાં પશુપાલનનો ધંધો કરતી મહિલાએ ભેંસોનો તબેલો બનાવવા માટે રૂ.3.50 લાખ ઉછીના લઈ ફરિયાદીને ચેક આપ્યો હતો. જોકે, રૂ.3.50 લાખનો ચેક રિટર્ન થતા મામલો કોર્ટમાં ગયો હતો. જ્યાં કોર્ટે ચેક બાઉન્સ થતા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ-1881ની કલમ-138 મુજબ કસૂરવાર ઠેરવી પશુપાલક મહિલાને 6 માસની સાદી કેદની સજા ફરમાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુરના ગણેશપુરા ખાતે રહેતા 68 વર્ષીય વિપુલભાઈ કાંતિલાલ પટેલના ઘરે પાલનપુર તાલુકાના સદરપુર ખાતે રહેતા અને ખેતી તથા પશુપાલન નો ધંધો કરતા રમીલાબેન નરેન્દ્ર કુમાર પ્રજાપતિ દૂધ આપવા સારું આવતા હોઈ બન્ને વચ્ચે વિશ્વાસ જન્ય સંબંધો બંધાયા હતા. દરમિયાન, ભેંસોનો તબેલો બનાવવાનો હોવાનું કહી આરોપી રમીલાબેન પ્રજાપતિએ ફરિયાદી વિપુલભાઈ પટેલ પાસેથી ઉછીના પેટે રૂ.3.50 લાખ લીધા હતા. જોકે, છ માસ બાદ નાણાં પરત ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ ચેક આપ્યો હતો. જોકે, તે ચેક ફરિયાદીએ ગત 11-7-2023 ના રોજ બેંકમાં નાખ્યો હતો. જે ચેક એકાઉન્ટ ક્લોઝડના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
જે કેસ પાલનપુરના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી જતા ના.કોર્ટે આરોપી રમીલાબેન પ્રજાપતિને નેગોશીએબલ ઇન્સ્ટુનેન્ટ એક્ટ 1881 ની કલમ-138 મુજબ કસૂરવાર ઠેરવી 6 માસની સાદી કેદની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે. વળી, આરોપીએ રૂ.3.50 લાખ વળતર પેટે હુકમની તારીખ થી એક માસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જોકે, આરોપી કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હોઈ ના.કોર્ટે આરોપી સામે સજાનું વોરંટ કાઢવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.