ડીસામાં ઓઈલ સુદાન ડાઇથી કલર કરેલું 260 કિલો મરચું ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી તેજસ ચોખાવાલાની પેઢી શ્રીહરેકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાંથી ચાર દિવસ અગાઉ પાલનપુર ફૂડ સેફટી વિભાગની ટીમે દરોડા પાડી 260 કિ. ગ્રા. લુઝ મરચાનો જથ્થો સીઝ કરી દીધો છે. ફૂડ સેફ્ટી વિભાગની પ્રાથમિક તપાસમાં લુઝ મરચામાં ઓઇલ ફોર્મમાં સુદાન ડાઈથી કલર ભેળસેળ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે શંકાના આધારે લુઝ મરચાનું પ્રોડક્શન કરતી ઉત્પાદક પેઢીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં લુઝ મરચું જે પ્લાસ્ટિકની થેલીમાં દેખાઈ રહ્યું હતું તે અત્યંત લાલ હોવાથી ભેળસેળની શંકા જતા ફૂડ વિભાગ પાસેના મેજિક બોક્સમાં તેની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન ઓઇલ ફોર્મેટમાં કેમિકલના કલર માટે વપરાતી ડાઇનો ઉપયોગ કરીને મરચામાં ભેળસેળ કરી હોવાનું ખુલ્યું હતું.​​​​​​​રોજિંદા ખાવાના વપરાશમાં મરચાનો ઉપયોગ થાય છે ત્યારે તેના વધુ પડતા ઉપયોગથી કેન્સર થવાની શક્યતા રહેલી છે. જેને લઈ ફુડ વિભાગે 46,440ની કિમતનો 260 કિ. ગ્રા જથ્થો જપ્ત કરી જરૂરી સેમ્પલ એફએસએલમાં તપાસ અર્થે મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક પાલનપુરની સ્વામી મસાલા જય ગોગા ગૃહ ઉદ્યોગ રિટેલ દુકાનમાંથી શંકાના આધારે લુઝ મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 28 કિલો જથ્થો સીઝ કર્યો હતો.ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “જે મરચું ખુલ્લામાં સસ્તું વેચાય છે તે સો ટકા શુદ્ધ હોય તેવી ગેરંટી નથી. તેમાં ભેળસેળ કરીને વધુ વજન અને નોન ફૂડ કલર ઉમેરવામાં આવે છે. જે લાંબા ગાળે કેન્સર જેવા જીવલેણ રોગોને જન્મ આપે છે. ગ્રાહકોએ ખુલ્લામાં વેચાતા મરચા લેવાનું ટાળવું જોઈએ અને આખું મરચું દળાવવાનો આગ્રહ રાખવો જોઈએ અથવા સ્ટાન્ડર્ડ કંપનીના પેકિંગ વાળા મસાલા લેવા જોઈએ.મન્ચુરિયન સહિતના ચાઈનીઝ નાસ્તાના વિક્રેતાઓ જે લાલ મરચાનો ઉપયોગ કરે છે તેમાં લાલ ઘટ્ટ કલર આવતો હોવાથી તેવા મરચા પણ ભેળસેળ વાળા હોવાની પ્રબળ આશંકા છે. ફૂડ સેફટી વિભાગે ફૂડ સ્ટ્રીટ પરના ખાણીપીણીના સ્ટોલ પર વપરાતી ખાદ્ય ચીજ વસ્તુઓની તપાસ કરી તેના નમૂના પણ લેવા માંગ ઉઠી છે.પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે થોડા મહિના અગાઉ થરાની પેઢીમાંથી લુઝ મરચાનું સેમ્પલ લેબમાં પરીક્ષણ અર્થે મોકલતા તે અનસેફ આવ્યું હતું જે બાદ કાર્યવાહી કરાઇ હતી. દરમિયાન ફૂડ વિભાગે ફરીથી થરાની લાલખાન ઉસ્માનમીયા સિપાઈની કોહીનુર મસાલા પેઢીમાંથી બીજી વાર લુઝ મરચાનું સેમ્પલ લીધું હતું જે પણ ફૂડ વિભાગની લેબમાં અનસેફ આવ્યું છે. લેબના રિપોર્ટ પ્રમાણે તેમાં ઘઉંના લોટનો ભૂકો અને કલર નાખવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.