મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે ૧૦મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

યોગના પ્રસાર પ્રચાર માટે રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો સ્થપાયા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી, છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

જ્યાં માનવતા છે ત્યાં યોગ છે, સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા મળે છે: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતાં યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ યોગના માહાત્મ્ય વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહિ, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આજે આખી દુનિયા યોગના મહત્ત્વને સમજવા લાગી છે, જ્યાં માનવતા છે ત્યાં યોગ છે. શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે. મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.