પાલનપુરના સદરપુરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 10 ઝૂંપડા બળીને ખાખ
પાલનપુરના સદરપુરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. 10 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવતા ઝૂપડા તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો છે. સદરપુરમાં નગરપાલિકાના વેસ્ટ કલેક્શનના મજૂરોની ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. સ્થાનિકો દ્વારા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના સમયે ઝૂંપડામાં કોઈ મજૂરો હાજર ન હોય જાનહાનિ થતા અટકી હતી.
ઉનાળામાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં આજે પાલનપુરના સદરપુર પાસે આવેલા એક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં આજુ.બાજુના સ્થાનિક લોકો આગના ગોટા હવામાં જોઈ ઝુપડપટ્ટી પાસે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દસ જેટલા ઝુપડા આગની ઝપેટમાં લીધા હતા. સ્થાનિક લોકો દ્વારા પાલનપુર ફાયર વિભાગને જાણ કરતા પાલનપુર ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે ઝૂંપડાઓમાં કોઈ મજૂર હાજર ન હોય જાનહાનિ થતા અટકી હતી. જો કે, તેઓની જરુરી ચીજવસ્તુઓ સળગી ગઈ હતી.