૧ કરોડ સીડ બોલ બનાવીને જંગલ ખાતાને અપાશે : શંકર ચૌધરી

બનાસકાંઠા
બનાસકાંઠા

સીડ બોલ દ્વારા વૃક્ષોનું વાવેતર કરી “આપણું હરિયાળું બનાસ“ બનાવાનો એક પ્રયાસ છે. પર્યાવરણની જાળવણી કરવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ્મ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત બનાસ ડેરીના ચેરમેનશ્રી શંરકભાઇ ચૌધરીએ શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત ખાતેથી કરાવી છે. બનાસકાંઠા જિલ્લો હરીયાળો બને માટે અંબાજી ગબ્બર પર્વત અને તેની આસપાસના ડુંગરાઓમાં બનાસ ડેરી દ્વારા છેલ્લા બે માસથી સીડ બોલ બનાવવામાં આવી રહ્યા છે. આજે ગબ્બર પર્વત ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા સીડ બોલનું પુજન કરાયુ હતુ તેની સાથે ગબ્બર પર્વતરાજની પણ પૂજા કરી અભિષેક કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ દરમ્યાન ૨૫ લાખ જેટલાં સીડ બોલ વિવિધ દૂધ સહકારી મંડળીના લોકો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રોપવામાં આવશે. આજે અંબાજીના ગબ્બર વિસ્તારમાં ૮ જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ રોપણની કામગીરી કરવામાં આવી હતી.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, દરેક ઇન્ડસ્ટ્રીઝ પર્વતોને દત્તક લે તો ચોક્કસ પણે પર્વતોને હરીયાળા બનાવી શકાય છે. તેના માટે સીડ બોલ બનાવી આપવાની પણ તેમણે ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર વર્ષ દરમ્યાન બનાસ ડેરી દ્વારા એક કરોડ જેટલાં સીડ બોલ બનાવી જંગલ વિભાગને આપવામાં આવશે. જે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના જંગલો હરીયાળા બને તેવા પ્રયાસો કરાશે. તેમણે ઉમેર્યુ કે, ઉંડાણ વાળા વિસ્તારોમાં જ્યાં પહોંચવું અઘરુ હોય તેવી જગ્યાએ ડ્રોન વિમાનથી સીડ બોલનું રોપણ પણ કરવામાં આવશે. આજે અંબાજીના જંગલોમાં પણ ડ્રોન દ્વારા સીડ બોલ જંગલ વિસ્તારમાં નાખવામાં આવ્યા હતા. ચેરમેને જણાવ્યું કે, શક્તિપીઠ અંબાજી મંદિર અને તેના આસપાસના વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુચના અને માર્ગદર્શન પ્રમાણે કામો ચાલી રહ્યા છે.

પશુઓના છાણનાં દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષોનાં બીજ નાખી સીડ બોલ બનાવવામાં આવે છે અને આ સીડ બોલ જંગલ વિસ્તારમાં નાંખવામાં આવે છે. જ્યારે વરસાદ આવે ત્યારે છાણનાં આ બોલ ખાતર બની બિયારણને જલ્દી ઉગાડવાનું કાર્ય કરે છે. હાલ આ અભિયાનની શરૂઆત અંબાજીથી શરૂઆત કરવામાં આવી છે પણ કામગીરી આખુ વર્ષ કરવામાં આવશે. “ આપણું બનાસ, હરિયાળું બનાસ “ ને ચરિતાર્થ કરવા સીડ બોલ વાવેતરના કાર્યમાં ડેરીના કર્મચારીઓ, વન વિભાગ, પશુપાલકો, ખેડૂતો,
પર્યાવરણ પ્રેમીઓ જાેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.