મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠા, પાલનપુર તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે 18 ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં દાંતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શની સ્ટોલનું ઉદ્ઘાટન કરી મહાનુભાવોએ વિવિધ સ્ટોલસની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે કાનૂન આપણી રક્ષા માટે બનવવામાં આવ્યા છે એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું, ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું. તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય એ માટે લીગલ ઓટોરિટીને આ માટે એક રોડમેપ બનાવવા સૂચન કર્યું હતું.

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જ્જ એન.વી. અંજારીયાએ જણાવ્યું કે, આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે, સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળે એ મહત્વની બાબત છે. સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારોની જાણકારી હોતી નથી. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની તક મળતી નથી. નાલસા એ વિવિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે. જેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ અવિરત ફરજ પરસ્ત રહી વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને પ્રાયોજના વહીવટદાર આર.આઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમતી ધરાવતા દાંતા અને અમરીગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓની ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું, વિધવા પેંશન, વૃદ્ધ પેંશન, આયુષ્યમાન ભારત કાર્ડ, ન્યુટ્રિશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમ પત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકમની શરૂઆતમાં એ.એમ.પરીખ ફાઇન આર્ટસ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોકસો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું. તો સણાલી સર્વોદય આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ બીરેન એ.વૈષ્ણવ, જજ પ્રણવ ત્રિવેદી, હાઇકોર્ટ ઓફ ગુજરાતના રજીસ્ટ્રાર જનરલ મૂલચંદ ત્યાગી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી.દેવધરા, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીઓ, વકીલઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.