ભરશિયાળે લીલાં શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓ પરેશાન
રખેવાળ ન્યુઝ વડાવળ : સમગ્ર દેશભરમાં મોંઘવારી એ માઝા મૂકી છે. દરેક વસ્તુઓના ભાવો રોકેટ ગતિએ વધી રહ્યા છે. તેમાં લીલી શાકભાજીના ભાવ પણ ભર શિયાળે આસમાને પહોંચી ગયા છે. આમ તો દર વખતે શિયાળો આવે એટલે લીલી શાકભાજીના ભાવ સામાન્ય થઇ જતા હતા. પરંતુ આ વર્ષે શરૂઆતથી જ લીલી શાકભાજીના ભાવો ઉંચકાયેલ રહેતા ગૃહિણીઓને શિયાળામાં પણ એ લીલી શાકભાજી ખરીદતા પરસેવો છૂટી રહ્યો છે. શિયાળાની ઋતુ એટલે લીલી શાકભાજીનો શંભુમેળો તરીકે ગણાય છે. પરંતુ આ વર્ષે શિયાળાની ઋતુમાં સતત હવામાનના પલટાથી કમોસમી વરસાદને લીધે લીલી શાકભાજીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેને લઇ બજારની માર્કેટોમાં સતત શાકભાજીના ભાવ પહેલા જોવા મળી રહ્યા છે. આ વર્ષે તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ લોકોની થાળીમાંથી ગાયબ થયેલી રહી છે ત્યારે અન્ય શાકભાજી પણ લોકોના ખિસ્સા હળવા કરી રહી છે. આમ તો શિયાળાની અંદર પ્રજાજનો મોટેભાગે લીલી શાકભાજીનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ વર્ષે સતત આસમાને આંબી રહેલા શાકભાજીના ભાવોથી લોકોને શું ખાવું તે પણ મુસીબત રહેલી છે. શિયાળામાં પાલક મેથી, ધાણા, કોથમીર જેવા આરોગ્યલક્ષી શિયાળાની ઋતુની શાકભાજી પણ મોંઘીદાટ હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલીઓ વધી છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.