બનાસકાંઠામાં કોરોના બેકાબુ બન્યોઃ વધુ ૫ વ્યક્તિઓ પોઝિટિવઃ કુલ ૧૭ કેસ
રખેવાળ, બનાસકાંઠા
વાવના મીઠાવી ચારણ કેસના ચેપથી એક મહિલા અને ત્રણ પુરુષને કોરોના પોઝિટિવગઠામણ ગામનો યુવક પણ સંક્રમણનો ભોગ બન્યો.સરહદી બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે કોરોના વાયરસ બેકાબુ બન્યો હતો. જ્યાં અગાઉ મીઠાવી ચારણના ૫ વર્ષના બાળક અને વાહન ચાલકના સંક્રમણમાં આવેલા એક મહિલા અને ત્રણ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે પાલનપુરના ગઠામણ ગામે યુવક સંક્રમણનો ભોગ બન્યો હતો. જેના પ્રજાજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા આ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૭ થવા પામી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પાલનપુર તાલુકાના ગઠામણ ગામે ૧૦ જ્યારે વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામે એક, માવસરીમાં એક મળી કુલ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મંગળવારે વધુ ૫ કેસનો ઉમેરો થતાં કુલ આંકડો ૧૭ પહોંચ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, વાવના મીઠાવી ચારણ ગામે પાંચ વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, સઘન સારવાર બાદ તે સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
જોકે, આ બાળકને સુરતથી સ્કોર્પિયો ગાડીમાં લાવનાર ચાલકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સારવાર ચાલી રહી છે. દરમિયાન આ બાળક તેમજ ચાલકના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેનો મંગળવારે સાંજે રિપોર્ટ આવ્યો છે. જેમાં વાવ તાલુકાના આકોલી ગામના ૪૮ વર્ષના મહિલા, માવસરી ગામના ૨૨ વર્ષના પુરુષ, દૈયપ ગામનો ૨૦ વર્ષનો પુરુષ, મીઠાવીચારણ ગામના ૨૮ વર્ષનો પુરુષ અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામના ૧૮ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને આ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં લોકલ સંક્રમણથી વધુ બે કેસ બહાર આવી રહ્યા છે. ગામમાં અમદાવાદ થી કોરોનાનો ચેપ લઈને આવેલા આધેડનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમના ચેપથી તેના પરિવારના ૪ વ્યક્તિને કોરોના થયો હતો. અને પરિવારના સદસ્યોના સંપર્કથી ૫ વર્ષની બાળકી અને યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન, આ પરિવારને ત્યાં બેસણા માં આવેલા એક ૨૮ વર્ષની સ્ત્રી અને ૩૫ વર્ષનો પુરૂષને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમજ સોમવારે ગામના અન્ય મહોલ્લામાં બે યુવતીઓ કોરોના વાયરસની ઝપટે આવ્યા હતા. જ્યારે મંગળવારે વધુ એક ૧૮ વર્ષનો યુવક કોરોના પોઝિટિવ બનતાં કુલ સંખ્યા ૧૧ થઈ છે. ગ્રામજનોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.