પાટણમાંથી ચોરાયેલ બાઈકના ગુનાનો ભેદ ડીસા તાલુકા પોલીસે ઉકેલ્યો
યુવકે પૂછપરછમાં વાહન ચોરીના વધુ પાંચ ગુના કબૂલ્યા: ડીસા તાલુકા પોલીસે એક રીઢા બાઈક ચોર યુવકને પકડી લેતા તેની પાસેથી પાટણમાંથી ચોરાયેલ બાઈક મળી આવ્યું હતું. આ ઉપરાંત તેણે પાંચ જેટલા વાહનની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઇ એ.વી. દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં ઓમ પાર્ક સોસાયટી ભાગ-૧ માં રહેતા હિતેશપુરી બાબુપુરી ગોસ્વામીને ઝડપી લીધો હતો. હિતેશપુરી ગોસ્વામી પર અગાઉ પણ વાહન ચોરીના પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેની પાસેથી બજાજ પલ્સર બાઈક કબ્જે કર્યું હતું જે તેણે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની પાસેથી બાઈક કબજે કરી સીઆરપીસી કલમ 41 (1) ,102 મુજબ કાર્યવાહી કરી વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો ઉકેલી આગળની વધુ તપાસ હાથ ધરી છે.