![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/546315bhufdsbfsbfye.jpg)
ડીસા પાલિકા પ્રમુખ અનિશ્ચિત મુદતની રજા ઉપર ઉતરી ગયા
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાની ભાજપ શાસિત ડીસા પાલિકાના ૧૩ સભ્યોએ હોદ્દા પરથી રાજીનામું આપતા છવાયેલ ગજગ્રાહ વચ્ચે દોડી આવેલ ભાજપ મોવડી મંડળ દ્વારા 'ડેમેજ કંટ્રોલ' માટે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના મોવડી મંડળના સભ્યોએ બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. જોકે ત્યારબાદ પ્રમુખ બુધવારે એકાએક અનિશ્ચિત મુદતની રજા ઉપર ઉતરી જતા સમગ્ર શહેરમાં આ મામલે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ વધી ગયો હતો અને આ આંતરિક વિખવાદ સપાટી ઉપર આવતા ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી ભાજપના જ સભ્યોની રજૂઆત ન સાંભળતા તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા અને મનસ્વીપણે વહીવટ ચલાવતા હોવાના આક્ષેપો સાથે ભાજપના ૧૧ અને અપક્ષના બે મળી કુલ ૧૩ સભ્યોએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દીધા હતા. તે બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા ચારેક દિવસ અગાઉ ડીસા એપીએમસી ખાતે નારાજ જૂથને મનાવવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી અશોક ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે બન્ને પક્ષની રજુઆત સાંભળી આંતરિક અસંતોષ ડામવાની કવાયત હાથ ધરી હતી. જો કે ત્યાર બાદ ગૂંચવાયેલા કોકડા વચ્ચે બુધવારે અચાનક પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ પોતે અનિશ્ચિત મુદતની રજાનો રિપોર્ટ ચીફ ઓફિસરને આપી દીધો હતો. પાલિકા પ્રમુખ આ રીતે એકાએક રજા ઉપર જવાની બાબતને લઈ સમગ્ર શહેરમાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી પાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે.