ડીસાની બજારોમાં કોરોના વાયરસને ખુલ્લું આમંત્રણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસામાં લોકડાઉનમાં અપાયેલી શરતી છૂટછાટના પગલે ધીમેધીમે જનજીવન રાબેતા મુજબ ધમધમવા લાગ્યુ છે. દુકાનો ખુલતા બજારો પણ ધમધમવા લાગી છે પરંતુ બજારોમાં ઉમટી પડતી ભીડના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સરકારી શરતોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ખુદ વેપારીઓ પણ ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરતા કોરોના સંક્રમણનો ખતરો વધી પડ્‌યો છે. તેમાં પણ નાસ્તાના સ્ટોલ અને દુકાનો ઉપર લોકો જાણે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ બેફિકર બની લોકો ટોળે વળે છે. પ્રખ્યાત ટીકડી ભજિયાની દુકાનની આ તસ્વીર ઘણું બધું કહી જાય છે. શહેરમાં આવા રોજિંદા ઠેરઠેર દ્રશ્યોથી શહેરનો જાગૃત, સજાગ અને બુદ્ધિજીવી વર્ગ અકળાઈ ઉઠે છે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા સાથે કેટલાક દુકાનદારો એકી – બેકીના નિયમનું પણ પાલન કરતા ન હોવાની બુમરાડ ઉઠી છે. જેના કારણે શહેરના હિત શત્રુઓના ઈશારે શરતોનું પાલન કરાવનાર તંત્ર ખુદ શકના દાયરામાં આવી ગયું છે. તંત્રની આ ઘોર લાપરવાહીના કારણે શહેરમાં બહારથી આવતા લોકોની વધતી જતી સંખ્યાના વચ્ચે કોરોનાના કેસનો આંકડો પણ વધી રહ્યો છે. જેને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર આ બાબતે અંગત રસ દાખવી ઘટતાં પગલાં ભરે તેમ શહેરીજનો ઈચ્છે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.