પાલનપુર : કોરોના વાયરસના શંકાસ્પદ દર્દી ભાગી ગયો.
પાલનપુર
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે શંકાસ્પદ દર્દી ભાગી ગયાની વાત સામે આવતા દોડધામ મચી ગઇ છે. ગત દિવસોએ વિદેશથી પરત ફરેલા મુસાફરને શંકાસ્પદ કોરોનાની અસર હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ દર્દી વારંવાર હોસ્પિટલ છોડી દેતો હોઇ વાયરસ ફેલાવાની ગંભીર સ્થિતિ ઉભી થતી હતી. આથી આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે પોલીસની મદદ મેળવી દર્દીને ફરીથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના રહીશ ખુશાલભાઇ પટેલ ગત ૧૧ માર્ચે ઇન્ડોનેશિયાથી પરત ભારત આવ્યા હતા. જોકે તેમને શંકાસ્પદ કોરોનાની અસર હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે ઓબ્ઝર્વેશન દરમ્યાન વારંવાર ઘેર ચાલ્યા જતા હોઇ અન્ય લોકોને વાયરસનું દુષણ ફેલાય તેવું થતું હતુ. આથી આરોગ્ય અધિકારીએ આખરે પોલીસ બોલાવી દર્દીનો કબજો મેળવી ફરી દાખલ કરી દીધો છે.
પાલનપુરના દર્દી સાથે અન્ય એક ઓર્થોપેડીક ડોક્ટરને પણ શંકાસ્પદ કોરોના વાયરસ હોવાનું જણાયુ હતુ. જોકે ડોક્ટર સારવાર માટે ઓબ્ઝર્વેશનમાં આવ્યા બાદ ગુમ થઇ ગયાનું સામે આવતાં દોડધામ મચી ગઇ છે. શંકાસ્પદ કોરોનાના દર્દી અને ડોક્ટર ગુમ થયાના સમાચારથી આરોગ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને લઇ આરોગ્ય વિભાગ સાથે પોલીસ આલમ માટે પણ દોડધામ બની છે.