ધાનેરાના કોટડા ગામે વિકલાંગ વેપારીને માર મારી લૂંટ ચલાવાઈ
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના કોટડા ગામમાં ગતરાત્રીએ લૂંટનો બનાવ સામે આવ્યો છે. કોટડા ગામમાં નેનાવા રોડ પર દુકાન ચલાવતા દેવાભાઈ રણછોડ ભાઈ પટેલ કે જેઓ વિકલાંગ છે અને ગતરોજ સાંજે પોતાની દુકાન બંધ કરી ખેતર તરફ જતા હતા. ત્યારે ખેતરના સેરિયામાં કોઈ અજાણ્યા બે કે ત્રણ ઈસમોએ તેમને પાછળથી ઘેરી લીધા હતા અને માથાની પાઘડીના કપડાંનો ડૂચો વાળી મોમાં દબાવી રાખ્યો હતો. બાદમાં કાનમાં પહેરેલ સોનાની મરકીને હાથથી ખેંચી લેતા કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જયારે ખીસ્સામાં પડેલ રોકડ ૪૦ હજાર પણ આ ઈસમો લઈ ફરાર થઈ ગયા હતા. પોતાને છોડાવવા માટે પ્રયત્ન કરતા લૂંટારાઓએ તેમને ગડદા પાટુનો માર મારતા ઇજાગ્રસ્ત વેપારીએ બૂમો પાડી હતી. આથી આસપાસના ખેડૂતો આવી જતા વેપારીને સારવાર માટે ધાનેરાના સરકારી દવાખાને લવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયારે તેમના પરિવારના સભ્યોએ ધાનેરા પોલીસને આ ઘટના વિષે માહિતી આપી ફરિયાદ માટે તજવીજ હાથ ધરી છે.