ડીસામાં અસહ્ય પીડાથી કણસતો યુવક ત્રણ-ત્રણ હોસ્પિટલે ભટક્યો પણ સારવાર ન મળતા મોત આંબી ગયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં માનવતાને કલંકીત કરતી ઘટના સામે આવી છે. જેમાં લોકડાઉન દરમિયાન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં રહેતા એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં ડીસાની ત્રણ-ત્રણ હોસ્પિટલે ફરવા છતાં પણ કોઈ જગ્યાએ ડોક્ટરોએ સારવાર ન કરતા આખરે આ યુવકે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ત્રણ દિકરીઓના પિતાનું ડોકટરોની બેદરકારીના કારણે મોત થતા પરિવારે માનવતાને પણ નેવે મુકનાર તબીબો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ડીસાના મોચીવાસ ઢેબર રોડ વિસ્તારમાં રહેતા પ્રકાશ ભૂરાજી સોલંકી નામના ૩૮ વર્ષીય યુવકને મંગળવારે વહેલી સવારે અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેના પરિવારજનો તેને લઈને ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જો કે યુવક કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતો હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં હાજર રહેલા સ્ટાફે તેની સારવાર કરવાની ધરાર ના પાડી દીધી હતી. જેથી આ યુવકનો પરિવાર તેને લઈને જ્યાં આ યુવકની અગાઉ સારવાર ચાલતી હતી. એવા હાઇવે સ્થિત ખાનગી હાસ્પીટલમાં પહોંચ્યો હતો પરંતુ ત્યાં પણ તબીબે કોઈ જ સારવાર ન કરતા અસહ્ય પીડાથી કણસતા યુવકનો પરિવાર તેને લઈને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ સારવાર મળી ન હતી. આ પરિવાર જે પણ હોસ્પિટલમાં ગયા હતા ત્યાંના હાજર તબીબો કે સ્ટાફે કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી આવતા હોવાના કારણે સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સતત ત્રણ કલાક સુધી પીડા સાથે તડપતા યુવાનને લઈ પરિવારજનો આમથી તેમ રઝળપાટ કરી હતી. પરંતુ સમયસર સારવાર ન મળવાને કારણે આ યુવકે રસ્તામાં દમ તોડી દીધો હતો. ત્યારે યુવકના સગા કૈલાશ રાઠોડએ જણાવ્યું હતું કે ત્રણ ત્રણ હોસ્પિટલમાં ફર્યા પણ કન્ટેનમેન્ટ એરિયામાંથી આવો છો એમ કહીને સારવારના કરી જેથી મારા કાકાનું મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા એકાદ અઠવાડિયા અગાઉ જ તમામ ખાનગી હોસ્પિટલો ચાલુ રાખવા અને હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર કરવા માટે સૂચના આપી હતી અને જો દર્દીઓની સારવાર ન કરી અથવા તો બેદરકારી દખાવી તો તે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી હતી તેમ છતાં આ પીડિત યુવકને ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ન મળતા આખરે આ યુવકનું મોત થયું છે. ત્રણ ત્રણ દીકરીઓના પિતા અને જુવાનજોધ દીકરાનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં આવી લાપરવાહી દાખવતા સરકારી અને ખાનગી ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય તેવી મૃતકના પરિવારજનોની માગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.