ચગવાડા પ્રાથમિક શાળાના બાળકોનું નાટક યૂટ્યૂબ ઉપર ૨૨ લાખ કરતા વધારે લોકોએ નિહાળ્યું
રખેવાળ ન્યુઝ લવાણા
દિયોદર તાલુકાના ચગવાડા પ્રાથમિક શાળામાં બે વર્ષ અગાઉ પ્રજાસતાકના દીને ભજવાયેલ નાટક યૂટ્યૂબ ચેનલ ઉપર અપલોડ કરાયું હતું અને આ નાટક ૨૨ લાખ કરતા વધારે લોકાએ નિહાળતા જેમાંથી થયેલ આવકના રૂપિયાની શૈક્ષણિક કીટ લાવી બાળકોને અપાઈ હતી.
દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ ચગવાડા અનુપમ પ્રાથમિક શાળામાં બે વર્ષ અગાઉ પ્રજાસતાક દિન નિમિત્તે રાખવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઠોઠ નિશાળીયો નામનું નાટક શાળાના બાળકો દ્વારા ભજવવામાં આવ્યું હતું અને આ નાટકનો વિડિઓ યૂટ્યૂબ ચેનલ ઉપર અપલોડ કરતા આ વિડિઓને ૨૨ લાખ કરતા વધારે લોકાએ નિહાળ્યો હતો તેમજ યૂટ્યૂબ ચેનલના સબસ્ક્રાઇબર તેમજ વ્યુઅરની સંખ્યા વધતા શાળાના આચાર્ય ના બેન્ક ખાતામાં રૂપિયા ૭૪૦૦ જમા થતા. જે રકમની શૈક્ષણિક કીટ લાવી નાટકમાં ભાગ લેનાર બાળકોને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ નાટકનું લેખન તેમજ માર્ગદર્શન શાળાના શિક્ષક અમરતભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ હસમુખ ચૌધરી