ઉનાળાની શરૂઆતે લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો
રખેવાળ ન્યુઝ વડાવલ : બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે હવામાનમાં અચાનક પલટો આવતા ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાનો હતો. જેને લઇ ખેતીના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું અને છેલ્લા બે દિવસથી ફુંકાઈ રહેલા પવનોને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉનાળાની ધીમા પગલે શરૂઆત થઈ રહી હતી પરંતુ હવામાનમાં આવેલા અચાનક ફેરફારને લઇ ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ડીસામાં ગતરોજ લધુતમ તાપમાનનો પારો ૩.૨ ડિગ્રીનો ઘટાડો થતા વહેલી સવારે ફરી એકવાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને લઇ બેવડી ઋતુનો અહેસાસને લઇ જનજીવન પર તેની વિપરીત અસરો જોવા મળી રહી છે. સમગ્ર દેશભરમાં કોરાના વાયરસથી લોકોમાં ગભરાટ રહેલો છે ત્યારે બદલાતી ઋતુને લઇ લોકો પણ વાયરલજન્ય બીમારીઓમાં સપડાઇ રહ્યા છે. હજુ આગામી સમયમાં પણ હવામાનમાં અનેક ફેરફારોની શક્યતાઓ સેવાઇ રહી છે ડીસા હવામાન વિભાગમાંથી મળતી વિગતો પ્રમાણે શનિવારનું ડીસાનું તાપમાન ૩૦.૫ જ્યારે લઘુત્તમ તાપમાન ૧૩.૬ નોંધાયુ હતું.જયારે પવનની ગતિ પ્રતિ કલાક ૬ કીમી નોધાઇ હતી.