ત્રણ માસમાં નિયમ વિરુદ્ધ વાહન ચલાવતાં 115 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ
બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતોના બનાવ બનતાં રહે છે. જેમાં અનેક વાહન ચાલકો ટ્રાફિકના નીતિ નિયમ નેવે મૂકી કાયદાને જાણે ધોળીને પી જતાં હોય તેમ બેફામ ઝડપે વાહનો હંકારતાં અવારનવાર અકસ્માત સર્જાતાં હોય છે. જેમાં અનેક માનવ જિંદગી અકાળે મુરઝાવા સાથે અનેક લોકો કાયમી અપંગ બની દર્દનાક જીવન જીવવા મજબુર બને છે ત્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુર આરટીઓ કચેરી દ્વારા છેલ્લાં ત્રણ માસમાં બેફામ રીતે વાહન ચલાવતાં,દારૂ પીને વાહન ચલાવતાં,હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય એવા 115 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે.જેમાં 35 લાયસન્સ ઓવર સ્પીડથી વાહન હંકારતા ફેટલ અકસ્માત કર્યો, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતાં,75 લાયસન્સ સીટ બેલ્ટ કે હેલ્મેટ ન પહેર્યું હોય એવા અને વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયાં હોવાનું આરટીઓ કચેરીમાંથી જાણવા મળ્યું છે.આમ,આરટીઓ વિભાગની જિલ્લા ભરમાં લાલ આંખથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
આરટીઓ દ્વારા ત્રણ માસમાં 6151 ચલણ (મેમો) આપીને 2.49 કરોડનો દંડ ફટકાર્યો
પાલનપુર આરટીઓ કચેરી દ્વારા એપ્રિલ માસમાં 2221 ચલણ આપીને 88 લાખનો દંડ આપ્યો છે.મે માસમાં 2230 ચલણ આપીને 85 લાખ દંડ આપ્યો છે.તો જૂન માસમાં 1700 ચલણ આપીને 76 લાખનો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો છે.


