કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટનો વિરોધ, શાળા કક્ષાએ જ તાજું ભોજન બનાવવાની માંગ; બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત છ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે.
મધ્યાહન ભોજન કર્મચારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 1984 થી ચાલતી આ યોજના અંતર્ગત તમામ શાળાઓમાં કિચન, ગેસ અને જરૂરી સ્ટાફની સુવિધા ઉપલબ્ધ છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ દરેક શાળામાં તાજું ભોજન બનાવવાની સુવિધા હોવી જરૂરી છે.કર્મચારી સંઘે કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. તેમના મતે, 40-50 કિલોમીટર દૂરથી રાત્રે 3 વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે બપોરે 2 વાગ્યે બાળકોને આપવું યોગ્ય નથી. તેઓએ માંગ કરી છે કે આ ટેન્ડર રદ કરી, શાળા કક્ષાએ જ તાજું ભોજન બનાવવામાં આવે.સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, આ યોજનામાં રસોઈયા તરીકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અગ્રતાક્રમ આપવાની જોગવાઈ છે. કર્મચારી સંઘ માને છે કે કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટથી સામાજિક સમરસતાનું વાતાવરણ પણ પ્રભાવિત થશે.