વિકાસ માટે વધારાની ગ્રાન્ટની જાહેરાત; આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મામલે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે તમામ ગ્રામ પંચાયતોને “સમરસ” બનાવવા માટે આગેવાનો અને ગ્રામજનોને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી છે.
ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, જે ગ્રામ પંચાયતો સમરસ બનશે, તેમને વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા ₹૧૦ લાખથી લઈ ₹૨૫ લાખ સુધીની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે એકતા, સહકાર અને સૌહાર્દપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ચૂંટણીલક્ષી વિવાદો ટાળી શકાય અને ગ્રામીણ વિકાસને વેગ આપી શકાય.
આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી રહી છે. સમરસ પંચાયત બનવાથી ગામમાં સર્વસંમતિથી નેતૃત્વની પસંદગી થાય છે, જેના પરિણામે ગામના વિકાસ કાર્યોમાં ઝડપ આવે છે અને ગ્રામીણ શાંતિ જળવાઈ રહે છે. આ જાહેરાતથી ગ્રામીણ વિસ્તારોમાં સમરસ પંચાયત બનાવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.