ભૂસ્તર વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસો કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ; બનાસકાંઠા ભુસ્તર વિભાગએ ગત એક વર્ષમાં 105.26 કરોડની વિક્રમ જનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એકજ માસમાં કુલ 81 કેસ કરી વધુ રૂ. 2.2 કરોડની દંડકીય આવક મેળવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંગ સારસ્વા દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા 105.26 કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે ખનીજ ચોરીના 704 કેસો કરી રૂપિયા 12.30 કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો. ત્યારે વર્ષ દરમિયાનની વિક્રમ જનક આવક બાદ ભુસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ 2025 એક જ માસમાં 81 કેસો કરી રૂપિયા 2.2 કરોડની વિક્રમ જનક આવક મેળવી છે. ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ભુસ્તર વિભાગની ટીમો રાત દિવસ ખાનગી રાહે તપાસ હાથ ધરી ચોરી અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 30 દિવસની અંદર 81 ખનીજ ચોરીના કેસ કરી સરકારની તિજોરીમાં રૂપિયા 2.2 કરોડ આવક જમા કરાવી છે.